પ્રેમલગ્ન કરનાર મહિલાએ એક વર્ષના બાળક સાથે ઘર છોડ્યું:સાસુનો દહેજને લઈ ત્રાસ, 3 કલાક સુધી રસ્તા પર ભટકતી રહી, અભયમની ટીમે કરાવ્યું પતિ સાથે પુનર્મિલન

Gujarat5/17/2026, 4:56:25 AM
પ્રેમલગ્ન કરનાર મહિલાએ એક વર્ષના બાળક સાથે ઘર છોડ્યું:સાસુનો દહેજને લઈ ત્રાસ, 3 કલાક સુધી રસ્તા પર ભટકતી રહી, અભયમની ટીમે કરાવ્યું પતિ સાથે પુનર્મિલન
વડોદરામાં પ્રેમલગ્ન કરનારી એક યુવતીને સાસુ દ્વારા દહેજ બાબતે વારંવાર શારીરિક-માનસિક ત્રાસ અપાતો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. સાસુના ત્રાસથી કંટાળીને આ મહિલા પોતાના એક વર્ષના માસૂમ બાળક સાથે ઘર છોડીને નીકળી ગઈ હતી. આશરે ત્રણ કલાક સુધી રસ્તા પર અસહાય અવસ્થામાં ભટકતી મહિલાને એક જાગૃત નાગરિક અને 181 ‘અભયમ’ મહિલા હેલ્પલાઇનની સતર્કતાના કારણે સુરક્ષિત આશ્રય મળ્યો હતો અને અંતે તેનું પતિ સાથે સુખદ પુનર્મિલન કરાવવામાં આવ્યું હતું. માતા-પિતાની ઈચ્છા વિરુદ્ધ કર્યા હતા પ્રેમલગ્ન પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદમાં રહેતી આ યુવતીએ બે વર્ષ પહેલાં પોતાના માતા-પિતાની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કર્યા હતા. હાલ તેમને એક વર્ષનું બાળક છે. તેનો પતિ ‘બ્લિંકિટ’ કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. લગ્ન બાદ ઘરમાં સાસુ દ્વારા દહેજના મુદ્દે અવારનવાર ઝઘડા કરવામાં આવતા હતા. મહિલાએ સાસુના ત્રાસથી બચવા માટે પતિને અલગ ભાડે રહેવા જવા માટે કહ્યું હતું, પરંતુ નબળી આર્થિક સ્થિતિના કારણે પતિ અલગ રહેવા માટે સક્ષમ ન હતો. મોબાઈલ વગર 3 કલાક સુધી રસ્તા પર ભટકતી રહી પ્રેમલગ્ન કર્યા હોવાના કારણે પિયર પક્ષ તરફથી પણ મહિલાને કોઈ સહયોગ કે આશરો મળી શકે તેમ ન હતો. બીજી તરફ સાસુની હેરાનગતિ અસહ્ય બની જતાં મહિલા કંટાળી ગઈ હતી. તે ઘરેથી મંદિર જવાનું બહાનું કાઢીને નીકળી પડી હતી અને વડોદરામાં રહેતા પોતાના નાનાના ઘરે જવાનું વિચારતી હતી. જોકે, પિયર પક્ષના ડરના કારણે નાનાના ઘરે જવાની હિંમત ન થતાં તે ત્રણ કલાક સુધી રસ્તા પર આમતેમ ભટકતી રહી. મહિલા પાસે પોતાનો મોબાઈલ ફોન પણ ન હોવાથી પરિવાર સાથે સંપર્ક કરવો અશક્ય બન્યો હતો. રિક્ષાચાલક અને સજાગ નાગરિકની મદદથી ‘અભયમ’ સક્રિય થઈ મહિલાએ રસ્તા પર એક રિક્ષાચાલક પાસે જઈને મદદની વિનંતી કરી હતી. તેની ગંભીર અને લાચાર સ્થિતિ જોઈને ત્યાં હાજર એક સજાગ નાગરિકે તાત્કાલિક ‘181 અભયમ હેલ્પલાઇન’નો સંપર્ક કરીને ઘટનાની જાણ કરી હતી. માહિતી મળતાં જ અભયમની બચાવ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મહિલા તેમજ તેના માસૂમ બાળકને કાઉન્સિલિંગ આપીને સુરક્ષિત આશ્રયગૃહમાં ખસેડ્યા હતા. અભયમની ટીમે સમજાવટ કરી પુનર્મિલન કરાવ્યું આશ્રયગૃહમાં અભયમના કાઉન્સિલરોએ મહિલાને શાંત પાડીને પ્રેમપૂર્વક સમજાવી હતી, જેના કારણે મહિલાએ તેના પતિનો મોબાઈલ નંબર આપ્યો હતો. અભયમની ટીમે તાત્કાલિક તેના પતિનો સંપર્ક કરી તેને સમગ્ર હકીકતથી વાકેફ કર્યો હતો અને કાયદાકીય પાસાં સમજાવીને કાઉન્સિલિંગ કર્યું હતું. પોતાની ભૂલ સમજાતાં પતિ તાત્કાલિક આશ્રયગૃહ ખાતે પત્ની અને બાળકને લેવા પહોંચી ગયો હતો. અભયમની ટીમે બંને પક્ષો વચ્ચે સુખદ સમાધાન કરાવીને પરિવારને ઉજ્જડ થતો બચાવ્યો હતો.
Read Original Article →