કેમિકલ કૌભાંડ:નંદેસરી જીઆઇડીસીમાં બે ટેન્કરમાંથી અત્યંત ઝેરી કેમિકલ વરસાદી કાંસ,મિનિ નદીમાં ઠલવાતું પકડાયું
શનિવારે મોડી રાત્રે 3 વાગ્યે નંદેસરી જીઆઇડીસીની ગુજરાત ચોકડી નજીકથી વાડિયા વગામાંથી ઝેરી કેમિકલ વેસ્ટ ભરેલા 2 ટેન્કર પકડયા હતા. એક ઝૂપડા પાસેથી પકડાયેલા બે ટેન્કરો પૈકીના એકની પાઇપ બીજી પાઇપમાં ભેરવાયેલી હતી અને પાઇપનો બીજો છેડો વરસાદી ચેનલમાં હતો. નંદેસરી પોલીસે આ સંદર્ભે ટેન્કરના ચાલક અને ઝુપડામાંથી પાઇપ વરસાદી ચેનલ સુધી લંબાવનારની અટકાયત કરી છે. તપાસનો રેલો સોજિત્રાની જીઆઇડીસીની ઇન્ફિનિટી ફાર્મા કંપની સુધી લંબાયો છે. તપાસમાં આ કેમિકલ હેઝાર્ડસ વેસ્ટની કેટેગરીમાં હોવાનું ખુલ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી વરસાદી ચેનલ અને ત્યાંથી મીની નદીમાં ઝેરી કેમિકલ છોડવાનું કૌભાંડ ચાલે છે તેવી બાતમી પોલીસ-જીપીસીબીને હતી. શનિવારે રાત્રે બે કલાક સુધી પોલીસે રીતસરની વોચ રાખી હતી. દરમિયાન એક ટેન્કર દેખાતા તેની સઘન તપાસ કરાઇ હતી. ત્યારે ગુજરાત ડાયસ્ટફ ચોકડી પાસેના એક ઝુપડામાં પાર્ક કરેલી બે ટેન્કરોની તપાસ કરી હતી. જેમાં એક ટેન્કરની પાઇપ બીજી પીવીસી પાઇપમાં ભેરવાયેલી હતી. પોલીસે આ નેટવર્ક પકડાતા જ વડોદરા જીપીસીબીના પ્રાદેશિક ડાયરેક્ટરને જાણ કરી હતી. જેના પગલે તેઓ પણ ઘટના સ્થળે ધસી ગયા હતા. પકડાયેલું કેમિકલ અને ફાર્મા કંપનીમાંથી મળેલું કેમિકલ સરખાં નીકળ્યાં
ઘટનાને પગલે જીપીસીબીના પ્રાદેશિક ડાયરેક્ટર માર્ગીબેન પટેલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જીપીસીબીએ કેમિકલનની તપાસ કરી હતી. ટેન્કર ચાલકે સૂચવેલી કંપનીમાં તપાસ અલાયદી ટીમે કરી હતી. કંપનીમાં પણ એવું જ હેઝાર્ડ઼સ કેમિકલ મળ્યું હતું. જીપીસીબીએ ફાર્મા કંપનીને લેખિત જાણ કરી હતી. તપાસમાં ફાર્મા કંપની ઇન્ફિનિટીના માલિકોને પણ બોલાવવામાં આવશે. ડોમેસ્ટિક પાણીના વપરાશનું કૌભાંડીનું રટણ
ઝૂપડાની પાઇપનો બહાર માત્ર 3 ફૂટનો જ હિસ્સો હતો. જ્યારે પોલીસને તપાસ કરી તો પાઇપનો બીજો છેડો છેક 40 મીટર દૂર એક વરસાદી ચેનલમાં હતો. પોલીસે ઝૂપડામાં મળેલા શખ્સની પૂછપરછ કરતા તેણે ડોમેસ્ટિક ઉપયોગ માટે પાણીના નિકાલ માટે પાઇપ મૂકી હોવાનું રટણ કર્યું હતું. જ્યારે ટેન્કરના એક ચાલકે આ ટેન્કર સોજિત્રાની એક ફાર્મા કંપનીમાંથી લાવ્યો હોવાની પોલીસ સમક્ષ કેફિયત કરી હતી. પોલીસે બંને હાલ પૂરતી અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે. ભાસ્કર ઇનસાઇડ
જેસીબી લાવી 40 મીટર દબાવેલી પાઇપ કઢાઇ
કૌભાંડીઓએ પાઇપ ઝુપડામાંથી વરસાદી ગટરમાં 40 મીટર સુધી જમીનમાં દબાવીને લંબાવી હતી. જીપીસીબીના અધિકારીએ જેસીબી મંગાવ્યું હતુ અને તેને વરસાદી ચેનલ સુધી ખોદી હતી. વડોદરા જીપીસીબીનો સ્ટાફ ટેટ પરીક્ષામાં હોવાથી આ ઘટનામાં કર્મચારીઓને આણંદ અને ગોધરાથી બોલાવવામાં આવ્યાં હતા.
Read Original Article →