ભાસ્કર એક્સક્લુઝિવ:ગુજરાતી ‘નોન ગ્રાન્ટેડ’: 83 વર્ષ જૂની શારદા મંદિર, 60 વર્ષ જૂની આર.સી.પટેલ નવયુગ વિદ્યાલયમાં ગ્રાન્ટેડ ગુજરાતી માધ્યમ બંધ
વિદ્યાર્થીઓ મળતા ન હોવાથી શહેરની બે શાળામાં ગુજરાતી માધ્યમ બંધ કરવાનો વારો આવ્યો છે. શહેરની 83 વર્ષ જૂની શારદા મંદિર વિદ્યાલય અને 60 વર્ષ જૂની આર.સી.પટેલ નવયુગ વિદ્યાલયનો ગુજરાતી માધ્યમ વિભાગ બંધ કરી દેવામાં આવ્યો છે.
છેલ્લાં 5 વર્ષમાં વડોદરાની 9 ગ્રાન્ટેડ શાળાઓના ગુજરાતી માધ્યમને તાળાં વાગ્યાં છે. અંગ્રેજીની ઘેલછા અને માતૃભાષા પ્રત્યેની ઉદાસીનતાને પગલે દર વર્ષે 2 ગ્રાન્ટેડ શાળા બંધ થઇ રહી છે. ડીઇઓ કચેરીના અધિકારીએ કહ્યું કે, સલાટવાડાની શારદા મંદિર સ્કૂલની ગ્રાન્ટ બંધ કરી દેવામાં આવી છે. ગત વર્ષે ધો.9ના વર્ગો બંધ કર્યા બાદ ધો.10ના 36માંથી 32 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. હવે ધો.10ના વર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતીના વિદ્યાર્થી મળતા ન હોવાથી વર્ગો બંધ કરાયા છે. જોકે ધો.1થી 8ની નોન ગ્રાન્ટેડ સ્કૂલ ચાલુ છે. જ્યારે ફતેગંજની આર.સી. પટેલ નવયુગ વિદ્યાલયમાં ધો.9 ગત વર્ષે બંધ કરી દેવામાં આવ્યું હતું. આ વખતે ધો.10ના 37 વિદ્યાર્થી હતા. બોર્ડ પરીક્ષા પૂરી થયા પછી ગ્રાન્ટેડ વિભાગ બંધ કરાયો છે. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી ન મળતાં ગ્રાન્ટેડ વર્ગો બંધ થયા છે. 5 વર્ષમાં વિદ્યાર્થીઓ ઘટી જતાં ગુજરાતી માધ્યમની 9 ગ્રાન્ટેડ સ્કૂલોને તાળાં કારણો...શિક્ષણ સમિતિમાં ધો.9-10 શરૂ કરાયા ગ્રાન્ટેડ શાળામાં વર્ગ ટકાવવા 36 વિદ્યાર્થી જરૂરી
ગ્રાન્ટેડ સ્કૂલોમાં વર્ગ ટકાવી રાખવા એક વર્ગમાં 36 વિદ્યાર્થી હોવા જરૂરી છે. જો સંખ્યા ઓછી હોય તો તેવા કિસ્સામાં વર્ગ બંધ થઇ શકે છે. જોકે ગ્રાન્ટેડ વર્ગોને બચાવવા માટે ડીઇઓ કચેરી દ્વારા ઘણીવાર છૂટ અપાય છે. 70 ગ્રાન્ટેડ સ્કૂલોમાંથી 61 સ્કૂલો બચી
શહેરમાં 85 જેટલી ગ્રાન્ટેડ સ્કૂલો આવેલી છે. 70 ગુજરાતી માધ્યમની ગ્રાન્ટેડ શાળામાંથી હાલ 9 બંધ થઇ ગઇ છે. એટલે હાલ 61 સ્કૂલો જ બચી છે. દર વર્ષે 2થી 3 જેટલી ગુજરાતી માધ્યમની ગ્રાન્ટેડ શાળા બંધ થાય છે. ગ્રાન્ટેડ શાળા બંધ થતાં ગુજરાતી ભાષા પર સંકટ તોળાયું છે. કોરોનાકાળ પહેલાં પણ કેટલીક ગ્રાન્ટેડ શાળા બંધ થઈ ગઈ હતી, જે ઉમેરીએ તો આંક વધી શકે છે. શાળાને બચાવવાનો પ્રયાસ કરીએ છીએ
ગ્રાન્ટેડ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા મળી રહી નથી. જોકે જ્યારે તે વર્ગ બંધ કરવાની અરજી આવે ત્યારે તેને અમે સમય આપીએ છીએ કે વિદ્યાર્થીઓની સંખ્યા કરી શકે. જોકે અંગ્રેજી માધ્યમનો ઝુકાવ વધી ગયો હોવાથી ગ્રાન્ટેડ શાળાઓ માટે વિદ્યાર્થીઓ મળી રહ્યા નથી.— મહેશ પાંડે, ઇન્ચાર્જ ડીઇઓ
Read Original Article →