ચૂંટણીમાં ટિકિટ મેળવવા ભગવાનના શરણે નેતાઓ:કેટલાકે યજ્ઞ-હવન કરાવ્યા તો કેટલાકે ધર્મગુરુઓ મારફતે લોબિંગ કરાવ્યું, ગ્રહદશા સુધારવા માટે મંત્ર જાપના સહારે

Gujarat4/9/2026, 9:39:10 AM
ચૂંટણીમાં ટિકિટ મેળવવા ભગવાનના શરણે નેતાઓ:કેટલાકે યજ્ઞ-હવન કરાવ્યા તો કેટલાકે ધર્મગુરુઓ મારફતે લોબિંગ કરાવ્યું, ગ્રહદશા સુધારવા માટે મંત્ર જાપના સહારે
ગુજરાતનું રાજકારણ વર્ષોથી શ્રદ્ધા અને આસ્થા સાથે ગાઢ રીતે જોડાયેલું રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તેમના કેટલાક ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. જો કે ભાજપની એક પણ યાદી હજુ સુધી જાહેર થઈ નથી. ત્યારે કેટલાક નેતાઓમાં મંદિર માર્ગે રાજકારણની કેડી કંડારવાની હોડ જામી છે. ચૂંટણીમાં ટિકિટ મેળવવા અને પોતાની દાવેદારી મજબૂત કરવા માટે નેતાઓએ હવે ભક્તિનો સહારો લીધો છે. જ્યારે જેના નામની જાહેરાત થઇ ગઈ છે તેઓ બાધા પુરી કરવામાં લાગી ગયા છે. ગ્રહોની શાંતિ માટે 24 કલાક જાપ શરુ કરાવ્યા જે નેતાઓ સામાન્ય દિવસોમાં ભાગ્યે જ મંદિરોમાં જોવા મળતા હતા, તેઓ હવે મોટા પાયે યજ્ઞ, હવન અને ધાર્મિક અનુષ્ઠાનો કરાવી રહ્યા છે. રાજકીય મંચ ઉપર પોતાનું સ્થાન સુરક્ષિત કરાવવા માટે નેતાઓએ જ્યોતિષીઓનો પણ સહારો લઈ લીધો છે. કેટલાક નેતાઓ જાણીતા જ્યોતિષીઓ અને પંડિતોના માર્ગદર્શન હેઠળ ગ્રહદશા સુધારવા માટે ગુપ્ત પૂજા-પાઠ પણ કરાવી રહ્યા છે. વડોદરાના એક જ્યોતિષાચાર્યે જણાવ્યું હતું કે, હાલમાં અનેક એવા નેતાઓ છે કે જેઓ પોતાના માટે કે પોતાના પરિવારજન માટે ગ્રહદશા સુધારવા માટે મંત્ર જાપ કરાવી રહયા છે. કેટલાકે તો 24 કલાક મંત્રજાપ શરુ કરાવ્યા છે. ટિકિટ મેળવવા નેતાઓ ભગવાનના શરણે ધર્મગુરુઓનો સીધો સંપર્ક ઉચ્ચ કક્ષાએ કરીને ભલામણો કરતા હોય છે. વડોદરાથી કેટલાક ધર્મગુરુઓ અન્ય ક્ષેત્રની પણ ટિકિટ નક્કી કરતા હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રાજકારણમાં હવે ધર્મગુરુઓ અને સંતોની ભૂમિકા પણ અત્યંત મહત્વની બની ગઈ છે. ટિકિટ મેળવવા માટે કેટલાક નેતાઓએ હવે સીધું લોબિંગ કરવાને બદલે ધર્મગુરુઓનો આશરો લીધો છે. વિવિધ સંપ્રદાયોના વડાઓ અને પ્રભાવશાળી સંતો મારફતે પક્ષના ટોચના નેતાઓ સુધી ભલામણો પહોંચાડવામાં આવી રહી છે. ધર્મગુરુઓ પાસે મોટો ભક્ત સમુદાય હોવાથી, રાજકીય પક્ષો પણ તેમના મંતવ્યોને અવગણી શકતા નથી. પરિણામે, ટિકિટ મેળવવા ઈચ્છુક નેતાઓ હવે મંદિરો અને આશ્રમોના પગથિયાં ઘસી રહ્યા છે. ધર્મગુરુઓનો પણ ક્વોટા હોય છે? સામાન્ય રીતે ચૂંટણી આવે એટલે ધારાસભ્ય, સાંસદ, જિલ્લા પ્રમુખ, પ્રભારી સહિતના લોકો પોતપોતાનો પક્ષ મૂકી પોતાના માનીતા ઉમેદવારોના નામ મૂકે છે. પ્રદેશ મોવડી મંડળ પણ તેઓએ આપેલા નામો ઉપર વિશેષ ધ્યાન આપે છે અને તેમાં લોબિંગ ચલાવતા પણ હોય છે. જો કે વર્ષોથી રાજકારણ અને ધર્મગુરુઓ વચ્ચે સેતુનું કામ કરતા એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે એમ કહ્યું કે, ધર્મગુરુઓનો પણ ક્વોટા હોય છે. ધર્મગુરુઓ પોતાના સંપ્રદાયના માનીતા રાજકારણીઓના નામની ભલામણ કરે છે અને તેમાંથી ટિકિટ આપવા માટે દબાણ પણ થતું હોય છે. મોવડી મંડળમાં બેઠેલા વ્યક્તિ જે સંપ્રદાયમાં માનતા હોય તેનું વધારે ચાલતું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે વડોદરામાં કોણ કોને કેટલું ફાળે છે તે આવનારો સમય બતાવશે.
Read Original Article →