ગોત્રીમાં 10 કલાક વીજપુરવઠો ખોરવાતા લોકોએ વીજકચેરીમાં પથારી પાથરી:ભરઉનાળે MGVCLની ઘોર બેદરકારી, લોકોએ કહ્યું-'મેન્ટેનન્સના નામે અમને ઊંઘવા નથી દેતા'
સમગ્ર રાજ્યમાં હાલ અકળાવનારી ગરમી પડી રહી છે, ત્યારે વડોદરાના ગોત્રી વિસ્તારમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)ની બેદરકારીના કારણે નાગરિકોની હાલત કફોડી બની છે. ગોત્રી તળાવ સામે આવેલા કુંભારવાડા ફળિયા સહિતના વિસ્તારોમાં ગત રાત્રે 8:00 વાગ્યાથી અચાનક વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. શરૂઆતમાં સ્થાનિકોને લાગ્યું કે સામાન્ય ફોલ્ટ હશે, પરંતુ કલાકો વીતવા છતાં વીજળી ન આવતા લોકોની ધીરજ ખૂટી હતી. લોકોએ વીજકંપનીની ઓફિસર પર પહોંચીને પથારી પાથરી હતી. તંત્રની નિષ્ક્રિયતા સામે જનતાનો આક્રોશ
અસહ્ય ગરમી અને બફારાને કારણે નાના બાળકો આખી રાત રડતા રહ્યા હતા અને વૃદ્ધોની હાલત પણ અત્યંત નાજુક બની હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, મુશ્કેલીના સમયે MGVCLનો ફરિયાદ નંબર સતત વ્યસ્ત કે બંધ આવતો હતો અને જવાબદાર અધિકારીઓએ ફોન ઉપાડવાની તસ્દી પણ લીધી ન હતી. તંત્રના આ બેજવાબદાર વલણને કારણે રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. MGVCLની કચેરી પર હલ્લાબોલ
મધ્યરાત્રિ સુધી વીજળી ન આવતા આખરે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષોએ ભેગા મળીને MGVCLની કચેરી પર હલ્લાબોલ કર્યો હતો. કચેરીમાં કોઈ સંતોષકારક જવાબ ન મળતા લોકોએ ત્યાં જ પોતાની પથારીઓ પાથરી દીધી હતી અને આખી રાત કચેરીના કમ્પાઉન્ડમાં વિતાવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. લોકોએ રોષે ભરાઈને જણાવ્યું હતું કે, "જો મેન્ટેનન્સના બહાને તંત્ર અમને સુખેથી ઊંઘવા ન દેતું હોય, તો અધિકારીઓને પણ એસી કેબિનમાં આરામ કરવાનો કોઈ હક નથી." વારંવાર વીજ કાપ ઝીંકતા તંત્ર સામે હાલ જનતામાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.
Read Original Article →