કોન્ટ્રાક્ટરની બેદરકારીથી 5 એમ્બ્યુલન્સ અટવાઈ:ગોત્રી હોસ્પિટલના ઇમરજન્સી ગેટ પર લોખંડની પાઇપો મૂકી દેવાઈ; ટ્રાફિકજામથી દર્દીનો જીવ જશે તો જવાબદાર કોણ?
વડોદરા શહેરની ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલ બહાર કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. કોન્ટ્રાક્ટર દ્વારા હોસ્પિટલની બહાર એક તરફનો રોડ સંપૂર્ણપણે બ્લોક કરી દેવાયો અને મુખ્ય ઇમરજન્સી ગેટની બિલકુલ સામે જ લોખંડની મોટી-મોટી પાઇપો મૂકી દેવામાં આવી હતી. આ અણઘડ આયોજનના કારણે ગંભીર દર્દીઓને લઈને આવતી 5 જેટલી એમ્બ્યુલન્સ ટ્રાફિકજામમાં ફસાઈ ગઈ હતી. હોસ્પિટલના જવાબદાર ડો. રાઠોડે અગાઉ પણ વારંવાર રજૂઆત કરીને પાઇપો હટાવડાવી હતી, તેમ છતાં ગત રાત્રે ફરી મુખ્ય ગેટ પર જ મટિરિયલનો ખડકલો કરી દેવાતાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ સહિત હજારો લોકો અટવાયા
સવારના સમયે સર્જાયેલા આ ભારે ટ્રાફિકજામમાં હોસ્પિટલ આવતા પેશન્ટો, ઓફિસ જનારા નાગરિકો તેમજ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ઉલ્લેખનીય છે કે, ગોત્રી હોસ્પિટલમાં રોજ આશરે 1400 પેશન્ટો સારવાર માટે આવે છે, જ્યારે કેમ્પસમાં 1200 થી 1300 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ ઉપરાંત, સ્ટાફ ક્વાર્ટર્સમાં આશરે 300 જેટલો નર્સિંગ, મેડિકલ અને પેરા-મેડિકલ સ્ટાફ રહે છે અને અંદાજે 300 જેટલા ડોક્ટરો બહારથી ફરજ પર આવે છે. આ તમામ લોકોને હોસ્પિટલ પહોંચવામાં ભારે હાલાકી વેઠવી પડી હતી. ટ્રાફિક પોલીસ પોઇન્ટના અભાવે વાહનો અને એમ્બ્યુલન્સને રોંગ સાઇડ આવવું પડે છે
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, બ્રિજ પરથી ઉતરતા વાહનોની સ્પીડ વધુ હોવાથી લોકોને હોસ્પિટલ તરફ આવવા માટે મજબૂરન રોંગ સાઇડનો ઉપયોગ કરવો પડે છે. કટોકટીના સમયે એમ્બ્યુલન્સને પણ રોંગ સાઇડથી પસાર થવું પડે છે. આટલી મોટી હોસ્પિટલ હોવા છતાં આજ દિન સુધી અહીં કોઈ કાયમી ટ્રાફિક પોલીસ પોઇન્ટ કે વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી, જેના કારણે આવી ઘટનાઓ વખતે દર્દીઓનો જીવ જોખમમાં મૂકાય છે. સ્ટાફ અને સિક્યુરિટીએ તાત્કાલિક ઇમરજન્સી ગેટ ખોલી રસ્તો કરાવ્યો
મુખ્ય ગેટ પાસે ટ્રાફિકની ગંભીર પરિસ્થિતિ સર્જાતા જ હોસ્પિટલના ડોક્ટરો, પેરા-મેડિકલ સ્ટાફ અને સિક્યુરિટી જવાનો તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા. તેઓએ સમયસૂચકતા વાપરીને કેમ્પસનો અન્ય એક અલ્ટરનેટ ઇમરજન્સી ગેટ ખોલી નાખ્યો હતો અને વાહનોને ત્યાં ડાયવર્ટ કર્યા હતા. સ્ટાફે ટ્રાફિક વચ્ચે જાતે ઊભા રહીને એમ્બ્યુલન્સને પ્રાથમિકતા (First Priority) આપી આગળ મોકલી હતી અને અસ્થાયી રૂપે ટ્રાફિક હળવો કરી મોટી દુર્ઘટના ટાળી હતી.
Read Original Article →