દુર્ઘટના:રેલવે કોલોનીમાં ઝાડીઓમાં આગ, લાકડાના જથ્થામાં પ્રસરતાં દોડધામ
પ્રતાપનગર રેલવે કોલોનીમાં વિદ્યામંદિર સ્કૂલ પાસે ઝાડી-ઝાંખરા અને કચરાના ઢગલામાં આગ લાગી હતી. આ આગ નજીકમાં કાપીને મૂકેલા લાકડાના જથ્થામાં પણ પ્રસરતાં દોડધામ મચી હતી. સ્થાનિકોએ આ અંગે જાણ કરતાં ફાયરબ્રિગેડે આગ બૂઝાવી હતી. વિદ્યામંદિર સ્કૂલ પાસે એક જગ્યાએ સૂકો કચરો અને ઝાડીઓ હતી. તેની નજીક રેલવે દ્વારા લાકડાનો મોટો જથ્થો કાપીને મૂકાયો હતો. સવારે 9.30 વાગ્યાના સુમારે અચાનક આ ઝાડીમાં આગ લાગી હતી. પવનથી આગે ઝડપથી પ્રસરી નજીકના લાકડાના જથ્થાને પણ લપેટમાં લીધો હતો. જોતજોતામાં ધુમાડાના ગોટેગોટે છવાયા હતા. ગાજરાવાડી ફાયરબ્રિગેડે પહોંચી દોઢ કલાકની જહેમતે આગ પર કાબૂ મેળવ્યો હતો. જ્યારે ઝાડીઓમાંથી રાત સુધી ધુમાડો નીકળતો હોવાનું રોહિતકુમાર નામના સ્થાનિકે જણાવ્યું હતું. અન્ય બનાવમાં દિવાળીપુરા કોર્ટ પાછળના ભાગમાં એક પ્લોટના સૂકા કચરામાં આગ લાગી હતી. અહીંથી પસાર થતા અંશ ચૌહાણે ફોન કરતાં ફાયરબ્રિગેડે પહોંચી આગ બુઝાવી હતી.
Read Original Article →