અકસ્માત:નિમેટા પાસે બાઈક સ્લિપ થતાં પિતા-5 માસની પુત્રીનું મોત,માતા ઇજાગ્રસ્ત

Gujarat6/8/2026, 12:18:16 AM
નિમેટા નજીક સિયાપુરા ગામમાં રહેતો પરિવાર બાઈક લઈને વડોદરા ખોડીયાર નગર ખાતે આવી રહ્યો હતો. નિમેટા રોડ પર બાઈક સ્લીપ થતાં બાઈક ચાલક અને તેમની 5 માસની બાળકીને ગંભીર ઈજા પહોંચતાં તેઓનું ઘટના સ્થળે મોત થયું હતું. બાઈક ચાલકના પત્નીને ઈજા પહોંચતા તેઓને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના બાબતે વાઘોડિયા પોલીસ મથકે તપાસ હાથ ધરી હતી. સિયાપુરા ગામમાં રહેતા ફરમેશભાઈ ભાલીયા તેમના પત્ની અંજલીબેન અને 5 માસની દીકરી પાર્થવી રવિવારે બપોરે વડોદરા ખોડીયાર નગર સાસરીમાં આવવા માટે બાઈક લઈને નીકળ્યા હતા. તેઓ જેસિંગપુરા, નિમેટા રોડ પર પહોંચ્યા ત્યારે તેઓનું બાઈક સ્લીપ થતાં બાઈક રોડની નીચે ઉતરી ગયું હતું. જેના કારણે ફરમેશભાઈ ઝાડ સાથે ભટકાયા હતા. આ સાથે અંજલીબેનને પણ ઈજા પહોંચતા તેઓ પણ બેભાન થઈ ગયા હતા. બે કલાક બાદ તેઓ ભાનમાં આવતા 108 એમ્બ્યુલન્સને જાણ કરી દીકરી અને પતિને સયાજી હોસ્પિટલ ખસેડયા હતા. જ્યાં તબીબે 5 માસની દીકરી અને ફરમેશભાઈને મૃત જાહેર કર્યા હતા. અંજલીબેન સારવાર હેઠળ છે. બાઈક કેવી રીતે સ્લિપ થયું તેનાથી માતા અજાણ, અકસ્માતની તપાસ એફએસએલ દ્વારા કરાશે અંજલીબેને પોલીસને જણાવ્યું હતું કે, તેઓ વાતો કરતા-કરતા બાઈક પર જઇ રહ્યા હતા. 5 માસની બાળકી તેમની પાસે હતી. બાઈક કેવી રીતે સ્લીપ થયું તેની જાણ નથી. રોડ પર કંઈક આવી ગયું કે કઈ રીતે બાઈક સ્લીપ થયું તેની તપાસ એફએસએલ દ્વારા કરવામાં આવશે.
Read Original Article →