ગેરકાયદે ખનન સમયે રેતી ધસી પડતા બે મજૂરના મોતનો કેસ:શ્રમિકોના મોત મામલે ડેસરમાં ત્રણ સામે ફરિયાદ નોંધાઈ

Gujarat5/24/2026, 8:03:44 AM
ગેરકાયદે ખનન સમયે રેતી ધસી પડતા બે મજૂરના મોતનો કેસ:શ્રમિકોના મોત મામલે ડેસરમાં ત્રણ સામે ફરિયાદ નોંધાઈ
વડોદરા જિલ્લના ડેસર તાલુકાના જુના શિહોરા ગામની સીમમાં ગેરકાયદેસર રેતી ખનન દરમિયાન માટીની ભેખડ ધસી પડતાં બે મજૂરોના મોત થયાના બનાવમાં ડેસર પોલીસ સ્ટેશનમાં ત્રણ સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આ મામલે BNS કલમ 105 અને 54 હેઠળ ગુનો દાખલ કર્યો છે. આરોપીઓમાં કેતનકુમાર ખુમાનસિંહ ચૌહાણ (રહે. ખોરવાડ), વિક્રમસિંહ બાબુભાઈ પરમાર તથા ગોપી ભલસિંહ ઉર્ફે કિરીટસિંહ પરમાર (બન્ને રહે. શિહોરા) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ગેરકાયદે ખનન પ્રવૃત્તિ સામે તંત્ર અને પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું. પડતર જમીનમાં ગેરકાયદે રેતી ખનન કર્યું ફરિયાદ અનુસારમાં જણાવ્યા અનુસાર આરોપીઓએ કોઈપણ પ્રકારની ખનન મંજૂરી વગર હિટાચી મશીનની મદદથી જુના શિહોરા ગામની સીમમાં આવેલી કોતરવાળી પડતર જમીનમાં ગેરકાયદે રેતી ખનન કર્યું હતું. માટીની મોટી ભેખડ હેઠળથી રેતી કાઢતી વખતે અચાનક ભેખડ ધસી પડી હતી. આ અકસ્માતમાં હિટાચી મશીન સાથે બે મજૂરો સુભાષભાઈ રામલ્લુ યાદવ અને રોહિતભાઈ જેસીંગભાઈ માળી (રહે. દોડકા, તા. સાવલી, જિ. વડોદરા) દટાઈ ગયા હતા, જેના કારણે તેમના મોત નીપજ્યા હતા. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપીઓને માટીની ભેખડ પડવાની સંભાવના વિશે પૂરેપૂરી જાણ હોવા છતાં તેઓએ જાણીજોઈને મજૂરોને કામે લગાડ્યા હતા, જેને બેદરકારીભર્યું કૃત્ય ગણવામાં આવી રહ્યું છે. ડેસર પોલીસે આ કેસની વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનનના મુદ્દે ફરી એક વાર ચર્ચા જગાવી છે અને આવા ભૂ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
Read Original Article →