ખાટુ શ્યામના દર્શને જતાં પરિવારને કાળ ભેંટ્યો, ત્રણ સભ્યોના મોત:દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર પૂરપાટ ઝડપે આવતા આઈસરે કારનો કુરચો બોલાવ્યો, 24 કલાકની અંદર બીજો અકસ્માત

Gujarat6/8/2026, 8:41:07 AM
ખાટુ શ્યામના દર્શને જતાં પરિવારને કાળ ભેંટ્યો, ત્રણ સભ્યોના મોત:દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર પૂરપાટ ઝડપે આવતા આઈસરે કારનો કુરચો બોલાવ્યો, 24 કલાકની અંદર બીજો અકસ્માત
સ્પીડના શોખીનો માટે આશીર્વાદરૂપ ગણાતો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે હવે વાહનચાલકો માટે જાણે 'ડેથ ઝોન' બની રહ્યો છે. કરજણ નજીકથી પસાર થતા આ એક્સપ્રેસવે પર વધુ એક ભયાનક અકસ્માત સર્જાયો છે, જેમાં સેલવાસના એક જ પરિવારના 11 સભ્યોમાંથી 3 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 3થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ પરિવાર રાજસ્થાન સ્થિત ખાટું શ્યામના દર્શન કરવા માટે ભક્તિભાવ સાથે નીકળ્યો હતો પરંતુ, કરજણ પાસે કાળ તેમને આંબી ગયો હતો. હાઈ-વેની સાઈડમાં ઊભેલી કારનો કુરચો બોલી ગયો મળતી માહિતી અનુસાર, મૂળ સેલવાસનો પરિવાર કાર લઈને હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેમણે પોતાની ગાડી હાઈવેની સાઈડમાં પાર્ક કરી હતી. તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા આઈસર ટ્રકના ચાલકે કારને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી હતી. આ ભયાનક અકસ્માત એટલો પ્રચંડ હતો કે, કારનો રીતસરનો કુરચો બોલી ગયો હતો. ગાડીમાં કુલ 11 લોકો સવાર હતા, જેમાંથી ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. ગાડીમાં અવાજ આવતા સાઈડમાં ઊભી રાખીને ચેક કરી રહ્યા હતા આ ઘટના અંગે જણાવતા મૃતકના પરિવારજન દર્શનભાઈએ કહ્યું કે, "હું વાપીનો રહેવાસી છું અને મૃતક મારા ભાઈ હતા (કાકાનો દીકરો), તેમનો આખો પરિવાર અર્ટિગા ગાડીમાં હતો, જેમાં સાત પુરુષો અને ત્રણ-ચાર બાળકો હતા. તેઓ સેલવાસથી રાજસ્થાન ખાટું શ્યામ બાબાના દર્શન કરવા જઈ રહ્યા હતા. તો રસ્તામાં ભરૂચમાં જ તેમનો... ભરૂચથી આગળ વડોદરા આસપાસ તેમનો અકસ્માત થયો છે. અકસ્માત એવી રીતે થયો કે ગાડી... તેમની ગાડીમાંથી અવાજ આવી રહ્યો હતો, તો અવાજના કારણે તેમણે ગાડી સાઈડમાં ઊભી રાખી હતી, જે આખી સફેદ પટ્ટી આવે છે તેની બાજુમાં તેમણે ગાડી લગાવી અને ચેક કર્યું કે ગાડીમાં શું અવાજ આવી રહ્યો છે. એટલે બધા પુરુષો નીચે ઉતર્યા અને મહિલાઓ બધી અંદર જ હતી. પુરુષો બધા બહાર ઊભા હતા, ત્યારે પાછળથી એક આઈસર (ટાટા કંપનીનું આઈસર) આવ્યું અને તેણે ટક્કર મારીને બધાને ફંગોળી દીધા અને તે આગળ નીકળી ગયો. આગળ જઈને તે વાહન રોકાયેલું છે, તો તેના ફોટા અને વીડિયો બધું અમે લીધેલું છે. તેમાં મારા માસી હતા, મારો નાનો ભાઈ હતો અને મારા મામાનો દીકરો હતો, તેઓ એક્સપાયર (મૃત્યુ પામ્યા) થઈ ગયા છે. અને જે બાકી બચેલા ચાર-પાંચ જણા અને નાના બાળકો છે, તેમને ઈજાઓ થઈ છે; કોઈને હાથમાં, કોઈને પગમાં, કોઈનો હાથ તૂટ્યો છે તો કોઈનો પગ તૂટ્યો છે. એ બધાને સારવાર માટે અમે અહીં વડોદરાની હોસ્પિટલમાં લઈને આવ્યા છીએ રાત્રે બે વાગ્યાથી અને તેમાંથી અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે, બાકીના બધા ઠીક છે." હાઈ-વે પર મરણચીસો ગુંજી, ઇજાગ્રસ્તો હોસ્પિટલ ખસેડાયા અકસ્માત થતાં જ હાઇ-વે પર ચીસાચીસ અને મરણચીસો ગુંજી ઉઠી હતી. આ ઘટનાની જાણ થતાં જ હાઈ-વે પેટ્રોલિંગ, પોલીસ કાફલો અને 108 ઇમરજન્સીની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરીને તમામ ઇજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢી પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ વધુ સારવાર અર્થે તેમને વડોદરાની સયાજી હોસ્પિટલ તેમજ પાદરાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હજુ પણ કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. 24 કલાકમાં બીજો મોટો અકસ્માત દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર સુરક્ષા વ્યવસ્થા અને સ્પીડ લિમિટને લઈને હવે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. આ ઘટનાના બરાબર એક દિવસ અગાઉ જ આ હાઈવે પર સમિયાલા નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારે માત્ર 24 કલાકની અંદર જ આ બીજા મોટા અકસ્માતે હાઈવે ઓથોરિટી અને પેટ્રોલિંગ વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. હાઈવે પર સ્પીડ ગન, સીસીટીવી કેમેરા અને નો-પાર્કિંગ એરિયાના નિયમોનું કડક પાલન થાય તે હવે અનિવાર્ય બન્યું છે. આ મામલે કરજણ પોલીસે અકસ્માત સર્જીને નાસી છૂટેલા આઈસર વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મૃતકોના પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહો વાલીવારસોને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા
Read Original Article →