વિદ્યાર્થીઓને રાહત:વીસીની બેઠક બાદ નિર્ણય બદલાયો, MSUના બંધ કરાયેલા ઓનર્સ કોર્સ 7 ફેકલ્ટીમાં ચાલશે
મ.સ.યુનિ.માં ઓનર્સ બંધ કરવાનો નિર્ણય 15 દિવસમાં જ બદલવામાં આવ્યો. માત્ર 3 ફેકલ્ટી છોડીને અન્ય ફેકલ્ટીઓએ વર્કલોડના અભાવે ઓનર્સ બંધ કરવાનો નિર્ણય વીસીની બેઠક બાદ પરત ખેંચાયો છે. કોમર્સ, આર્ટસ અને સાયન્સે જ ઓનર્સ ચાલુ રાખ્યું હતું. નવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત 3 વર્ષ પહેલા બેચલર ડિગ્રીને 4 વર્ષની કરીને ઓનર્સ કોર્સ શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ નીતિ મુજબ, 4 વર્ષની ઓનર્સ ડિગ્રી બાદ વિદ્યાર્થીને એક જ વર્ષમાં માસ્ટર ડિગ્રી મળી શકે છે. આ સિસ્ટમમાં મલ્ટીપલ એન્ટ્રી-એક્ઝિટની વ્યવસ્થા હતી. જેમાં 4 વર્ષના ઓનર્સમાં 1 વર્ષ વિદ્યાર્થી અભ્યાસ કરીને છોડી દે તો તેને સર્ટિફીકેટ મળે. 2 વર્ષ બાદ ડિપ્લોમા મળે અને 3 વર્ષ પૂરા કરવા પર ડિગ્રી મળે. તો 4 વર્ષ પર ઓનર્સની ડિગ્રી એનાયત કરવામાં આવે છે. જ્યારે ચોથું વર્ષ શરૂ કરવાનો સમય આવ્યો છે, ત્યારે સરકારે આ માટે જરૂરી વધારાનો વર્કલોડ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવાની મનાઈ કરી દેતા માત્ર કોમર્સ, આર્ટસ અને સાયન્સ ફેકલ્ટીએ જ ચોથું વર્ષ ચલાવવા માટે તૈયારી દર્શાવી હતી. જોકે તાજેતરમાં વીસીની બેઠકમાં એન.ઈ.પી. 2020નો અમલ થયેલી તમામ દસ ફેકલ્ટીઓમાં ચોથા વર્ષના અંડરગ્રેજ્યુએટ કાર્યક્રમો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 4 વર્ષના અંડરગ્રેજ્યુએટ ડિગ્રી માટે 176 ક્રેડિટ ફરજિયાત ઓનર્સ માળખા હેઠળ પ્રવેશ લીધેલા પાત્ર વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા ચોથા વર્ષમાં અભ્યાસ ચાલુ રાખવાની તક આપવામાં આવશે. કાર્યક્રમો માટે સમાન નામકરણ તરીકે બેચલર્સ ડિગ્રી (ઓનર્સ) અને બેચલર્સ ડિગ્રી (ઓનર્સ વિથ રિસર્ચ) રાખવામાં આવશે. પ્રથમ છ સેમેસ્ટરમાં કુલ 75 ટકા અથવા તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ બેચલર્સ ડિગ્રી (ઓનર્સ વિથ રિસર્ચ) પસંદ કરી શકશે. ઓનર્સ વિથ રિસર્ચ પસંદ કરનાર વિદ્યાર્થીઓએ ફેકલ્ટી સભ્યના માર્ગદર્શન હેઠળ મુખ્ય વિષયમાં રિસર્ચ પ્રોજેક્ટ અથવા ડિસર્ટેશન પૂર્ણ કરવાનું રહેશે. ચોથા વર્ષના અંડરગ્રેજ્યુએટ ડિગ્રી માટે કુલ 176 ક્રેડિટ ફરજિયાત રહેશે. બેકલોગ, એ.ટી.કે.ટી., યુ.એફ.એમ. કેસ, પરિણામ રોકાયેલું હોવું અથવા અન્ય કોઈ અયોગ્યતા ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. કોમર્સ, આર્ટસ, સાયન્સ સહિત 10 ફેકલ્ટીમાં ઓનર્સ ચાલશે કોમર્સ, આર્ટસ , સાયન્સ , હોમ સાયન્સ , લો , ફાઇન આર્ટસ , પર્ફોંમીગ આર્ટસ , સોસિયલ વર્ક , જર્નાલીઝમ , એજયુકેશન સાયકોલોજી અગાઉ કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ ફેકલ્ટીએ જ ઓનર્સ ચાલુ રાખ્યું હતું
Read Original Article →