પાલિકાની કાર્યવાહી:બિલ ટાંકી રોડ પર ડ્રેનેજમાં તૂટેલી પાઇપનું જોડાણ કરનાર કોન્ટ્રાક્ટરને રૂા. 2 લાખનો દંડ

Gujarat5/27/2026, 12:02:45 AM
પાલિકાની કાર્યવાહી:બિલ ટાંકી રોડ પર ડ્રેનેજમાં તૂટેલી પાઇપનું જોડાણ કરનાર કોન્ટ્રાક્ટરને રૂા. 2 લાખનો દંડ
બિલ નજીક ટાંકી રોડ પર પાલિકા દ્વારા 62.11 કરોડના ખર્ચે પમ્પિંગ સ્ટેશન, પ્રેશર લાઇન અને ડ્રેનેજ નેટવર્ક નાખવાની કામગીરી કરાઈ રહી છે. જે અંતર્ગત ઔરા ઇલાઇટ નજીક ડ્રેનેજ ચેમ્બર બનાવતી વખતે પાઇપ ટૂંકી પડતાં કોન્ટ્રાક્ટરે ઘોર બેદરકારી દાખવી તૂટેલી પાઇપનો ટુકડો બેસાડી જોઈન્ટ મારી દીધો હતો. જે ઘટનામાં પાલિકાના ડ્રેનેજ વિભાગે કોન્ટ્રાકટરને નોટિસ આપી 2 લાખનો દંડ ફટકાર્યો છે. બિલ રોડ પર ડ્રેનેજ ચેમ્બરની કામગીરી સમયે પાઇપ ટૂંકી પડતાં કોન્ટ્રાક્ટરે પાઈપનો ટુકડો નાખી જોઇન્ટ માર્યું હતું. જેનો લોકોએ વિરોધ કર્યો હતો અને વીડિયો વાઇરલ કર્યો હતો. સ્થાનિકોના આક્રોશ અને વીડિયોને પગલે ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગની ટીમ સ્થળે દોડી ગઈ હતી. તંત્ર દ્વારા સૌથી પહેલાં એક્શન મોડમાં આવીને તે તૂટેલી પાઇપ લાઇન આખી બહાર કઢાવી નવી પાઇપનું જોડાણ કરાવ્યું હતું. આ ગંભીર લાપરવાહી અને ગેરરીતિ સપાટી પર આવ્યા બાદ ડ્રેનેજ પ્રોજેક્ટના કાર્યપાલક ઇજનેર મહેશ વણકરે કોન્ટ્રાક્ટર પેઢીને કારણદર્શક નોટિસ ફટકારી હતી. હવે આ મામલે પાલિકાએ વધુ કડક વલણ અપનાવીને જનતાનાં નાણાંનો વેડફાટ કરનારા બેજવાબદાર કોન્ટ્રાક્ટરને રૂા. 2 લાખનો આકરો દંડ ફટકાર્યો છે.
Read Original Article →