ભાસ્કર એનાલિસિસ:ભાજપના મિશન 76 સામે કોંગ્રેસનું ‘વડોદરા બચાવો’ મિશન, એકબીજાને પછાડવા બન્નેની રણનીતિ
ઉમેદવારોને તોડવા-બિનહરીફ જીતવાની ભાજપની કૂટનીતિને કોંગ્રેસ મ્હાત આપશે
કોંગ્રેસ ભાજપના મિશન 76ના રથને રોકવા માટે કોંગ્રેસે પણ કૂટનીતિ ઘડી નાંખી છે. જેમાં પક્ષના દિગ્ગજ નેતાઓને પ્રલોભન આપી ખેંચી જવાના ભાજપના સ્વપ્નને તોડવા માટે કોંગ્રેસે ખાસ રણનીતિ બનાવી છે. વર્ષ 2015ની ચૂંટણી દરમ્યાન વોર્ડ-12માં કોંગ્રેસમાંથી ઉમેદવારી થયા બાદ ફોર્મ પરત ખેંચતા પૂર્વ મેયર ભરત ડાંગર બિનહરીફ થયા હતા. આ પ્રકારની જ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે કોંગ્રેસ સતર્ક હોવાનો કોંગી નેતાઓ કહી રહ્યા છે. આ ઘટનાથી શીખ મેળવી કોંગ્રેસે ભાજપની આ પ્રકારની વ્યૂહ રચના સફળ ન થાય તે માટે ફૂંકી ફૂંકીને છાશ પીવાનું શરૂ કર્યું છે. ખાડા, ગંદુ પાણી, હરણી બોટકાંડ, પૂરથી નુકસાન મુદ્દે પ્રજાના ફેલાયેલા રોષને મતોમાં પરિવર્તિત કરવા માટે પણ કોંગ્રેસે યોજનાઓ ઘડી છે. સૌથી વધુ સમસ્યા છે તે વોર્ડમાં ફરી ભાજપની 30 વર્ષની નિષ્ફળતા ગણાવશે અને તેમાં સુધારો કરશે તેવો વિશ્વાસ અપાવશે. આપ દ્વારા ઉમેદવારોની પસંદગી કરાઇ રહી છે તે ફેક્ટર પણ બન્ને પક્ષોને અસર કરશે તે નક્કી છે. ભાજપ સત્તાના નશામાં છે, કોઈપણ હદે જઈ શકે તેમ છે
"ભાજપ સત્તાના નશામાં છે અને કોઈપણ હદે જઈ શકે છે. આ વખતે પ્રજામાં ભારે આક્રોશ છે. ભાજપ પ્રજાનો રોષ પારખી ગઈ છે તેથી કોંગ્રેસના કાર્યકરોને વિરોધ કરતા રોકે છે." - ઋત્વિજ જોષી, પ્રમુખ, શહેર કોંગ્રેસ કોઈ પ્રપોઝલ આપશે તો તેમને પ્રજા વચ્ચે એક્સપોઝ કરીશ
"મારી વિચારધારા કોંગ્રેસની છે. કોઈ પ્રપોઝલ આવ્યું નથી. ફોન આવશે તો ભાજપની ગંદી રાજનીતિને પ્રજા વચ્ચે એક્સપોઝ કરીશ." - અમી રાવત, પૂર્વ કાઉન્સિલર, વોર્ડ 1 કોંગ્રેસમાં 25 વર્ષ થયા, કોંગ્રેસે જ અમને કોર્પોરેટર બનાવ્યા
"પ્રપોઝલ આવે કે ન આવે ફેર પડતો નથી, 25 વર્ષથી કોંગ્રેસમાં છું. કોંગ્રેસે કોર્પોરેટર બનાવી છે. કોઇપણ પરિસ્થિતિમાં અમે જીતીશું." - પુષ્પાબેન વાઘેલા, પૂર્વ કાઉન્સિલર, વોર્ડ 1 કોંગ્રેસને 4 વોર્ડમાં હાવી થતી રોકવા ભાજપ કાર્યકરોનું સૈન્યબળ ઉતારશે
વડોદરામાં ભાજપે મિશન 76 હેઠળ સત્તાનું સિંહાસન સર કરવાનું નક્કી કર્યું છે. જેમાં કોંગ્રેસે જીતેલી બેઠકને જીતવા ભાજપ શામ, દામ, દંડ, ભેદની નીતિ પર કામ કરશે. ભાજપ કોંગ્રેસના ગઢ સમા વોર્ડ 1માં ભંગાણ પાડવાની ફિરાકમાં છે. જ્યાં જાતિગત સમીકરણ સાથે મજબૂત ઉમેદવાર મૂકશે. આ વોર્ડમાં જીતવા ભાજપે કાર્યકરોની ફોજ ઉતારી છે. વોર્ડ 15માં પૂર્વ ધારાસભ્યની પુત્રીઓ અને ભાજપમાંથી સસ્પેન્ડેડ કાઉન્સિલરો સામે મેદાનમાં ઉતરવા સ્ટ્રેટેજી બનાવી હોવાનું ભાજપના નેતાઓએ કહ્યું છે. ગત ચૂંટણીમાં વોર્ડ-16ની પેનલ તોડી ભાજપે કોંગ્રેસને નુકસાન કર્યું હતું. જોકે આ વખતે તમામ 4 બેઠક જીતવા માટે મજબૂત ઉમેદવાર મૂકશે. વોર્ડ-13માં ત્રણ બેઠક ભાજપની છે અને એકમાત્ર જીતવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આધારભૂત સૂત્રો મુજબ ભાજપ મિશન 76ને સફળ બનાવવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને પાર્ટીમાં સમાવવા અને બિનહરીફ બેઠક જીતવા જેવા માટે કાવાદાવા કરી શકે તેવી શક્યતા છે. 2021માં ભાજપ ક્યાં કાચું પડ્યું? 2021માં વોર્ડ નં. 16માં ભાજપે કોંગ્રેસની પેનલ તોડી હતી: વોર્ડ-16માં ભાજપે કોંગ્રેસની પેનલ તોડી હતી. વોર્ડ-18માં ચિરાગ ઝવેરી, 7માં જાગૃતિ રાણા, 4માં અનિલ પરમાર પરાસ્ત થયા, વોર્ડ-7માં ફરીદ કટપીસવાલા ન લડતાં કોંગ્રેસે બેઠક ખોઇ હતી મજબૂત ઉમેદવાર હશે, કાર્યકરોની ફોજ ઉતરશે "વોર્ડ 1, 13, 15 અને 16માં મજબૂત ઉમેદવાર, જાતિગત સમીકરણ હશે. વોર્ડ 1માં કાર્યકરોની ફોજ ઉતરશે. વોર્ડ-13માં 1 બેઠક જીતવાની છે. 15-16માં મજબૂત ઉમેદવાર આપીશું." - ડો. જયપ્રકાશ સોની, પ્રમુખ, શહેર ભાજપ
Read Original Article →