રાજકીય કાવતરું:લોકશાહી બચાવવા કોંગ્રેસીઓના લોહીના અંગૂઠા
કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોષી સામે સંખેડા પોલીસમાં થયેલી ફરિયાદ રાજકીય કાવતરાનો ભાગ હોવાનું જણાવી કોંગ્રેસે કલેક્ટરને આવેદન આપ્યું હતું. જ્યારે 200 કોંગ્રેસીએ લોકશાહી બચાવવા કોરા કાગળ પર સહી કર્યા બાદ પોતાના લોહીથી અંગૂઠા મારી કલેક્ટરને સુપરત કર્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી સહિત 200 કોંગ્રેસી કાર્યકર-આગેવાનોએ ‘આશિષ જોષીને ન્યાય અપાવો’ અને ‘સંખેડા પોલીસ શરમ કરો’નાં પોસ્ટરો સાથે કલેક્ટર કચેરીમાં દેખાવો કર્યા હતા. આવેદનમાં જણાવ્યું કે, પાલિકાની ચૂંટણીમાં વોર્ડ 15માં આશિષ જોષી કોંગ્રેસમાંથી ચૂંટણી જીત્યા છે. ભાજપે તેમને હરાવવા રાજકીય કાવતરાં રચ્યાં હતાં. જે અંતર્ગત દારૂ કેસ અંગે સંખેડા પોલીસમાં ખોટી રીતે ફરિયાદ નોંધાઈ છે. સંખેડા પીઆઈ પૂર્વગ્રહ પૂર્ણ તપાસ કરી રહ્યા છે, જેથી આશિષ જોષીને જામીન ન મળે અને પાલિકાની બેઠકમાં હાજરી ન આપી શકે. કોંગ્રેસે કેસની તપાસ તટસ્થ એજન્સીને સોંપવા કલેક્ટરને રજૂઆત કરી છે. આ મુદ્દા પર તપાસ કરવા ધ્યાન દોર્યું 1 એફઆઈઆરમાં દર્શાવેલા વાહનની વૈજ્ઞાનિક રીતે તપાસ કરવામાં આવે. 2 જે દિવસે રેડ કરાઈ હતી, તે દિવસે સંકળાયેલા તમામ પોલીસ. અધિકારીઓના મોબાઈલ લોકેશન તેમજ કોલ ડિટેઈલની પણ તપાસ થાય. 3 સહઆરોપી રાહુલસિંહ ઘનશ્યામ સિંહ દ્વારા જુદી જુદી એફઆઈઆરમાં 1થી વધુ મોબાઈલ નંબરો ઉપયોગમાં લેવાયા હોવાનું બહાર આવ્યું છે. 4 આશિષ જોષી શરૂઆતથી જ લાઈ ડિટેક્શન ટેસ્ટ તેમજ નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છે, જેથી ખોટું કાવતરું બહાર આવી શકે.
Read Original Article →