મહિલા અનામત, પુરુષ ‘અસલામત’:કોંગ્રેસનો વડોદરામાં પહેલીવાર પ્રયોગ, એક જ વોર્ડમાં 3 મહિલા ઉમેદવાર
કોંગ્રેસમાં ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ વિરોધ વંટોળ અને પક્ષ પલટો થવાની ભીતિને ધ્યાને લઈ કોંગ્રેસે ઉમેદવારી પત્ર ભરવાના કલાકો પૂર્વે મધરાતે યાદી જાહેર કરી હતી. ભાજપની યાદી જાહેર થયા બાદ કોંગ્રેસે મૂકેલી યાદી ભારે ચર્ચાસ્પદ બની છે. વોર્ડ 1માં કોંગ્રેસે 2 પુરુષ અને 2 મહિલા કાઉન્સિલરને બદલે વધુ એક મહિલા કાઉન્સિલરને ચૂંટણી લડાવવાનો નિર્ણય કર્યો છે. જેને કારણે કોંગ્રેસના વોર્ડ 1ના કાઉન્સિલર અને છાણી વિસ્તારમાં ભાજપના ગઢમાં ગાબડું પાડનાર હરીશ પટેલ કપાયા છે. 2021માં કોંગ્રેસે વોર્ડ 1માંથી પુષ્પાબેન વાઘેલા, અમીબેન રાવત, જહા દેસાઈ અને હરીશ પટેલને ચૂંટણી લડાવી હતી. જેમાં કોંગ્રેસની આખી પેનલ જીતી હતી. જોકે 4 સામાન્ય બેઠક પૈકી 1 બેઠક મહિલા ઓબીસી અને બીજી 2 પૈકી 1 એસટી રિઝર્વ થતાં કોંગ્રેસ માટે ચારેય કાઉન્સિલરને ચૂંટણી લડાવવી મુશ્કેલ બની હતી. કોંગ્રેસે ઓબીસી બેઠક પર પૂર્વ કાઉન્સિલર જહા દેસાઈનાં પત્ની સોના દેસાઈને ટિકિટ આપી છે. જ્યારે સામાન્ય બેઠક પર એસસી સમાજ પર પ્રભુત્વ ધરાવતાં પુષ્પાબેન વાઘેલાને ટિકિટ આપી હતી. બાકી રહેલી 1 સામાન્ય બેઠક પર પૂર્વ કાઉન્સિલર અમી રાવતને ઉમેદવાર જાહેર કર્યાં હતાં. અનામત બેઠકો પર ઉમેદવારો નક્કી કરવાના ખેલમાં કોંગ્રેસે પૂર્વ કાઉન્સિલર હરીશ પટેલને જાકારો આપ્યો છે. અન્ય એસટી બેઠક પર ડો.નિકુલ પટેલને ટિકિટ આપી હતી. અમદાવાદમાં અગાઉ 3 મહિલા ઉમેદવારોને ટિકિટ અપાઈ હતી
જાણકારોના મતે વડોદરામાં આ પહેલી ઘટના છે. જેમાં 1 વોર્ડમાં 1 જ પક્ષનાં 3 મહિલા ઉમેદવાર ચૂંટણી લડશે. વોર્ડ 1માં એક મહિલા ઓબીસી અને એક મહિલા સામાન્ય બેઠક છે. બીજી 2 બેઠક પૈકી 1 એસટી અને 1 સામાન્ય છે. સામાન્ય બેઠક પર પુરુષને જ મૂકવા તેવી સ્પષ્ટતા નથી. 25 હજાર વોટ ધરાવતા છાણીનો એકડો કાઢ્યો, ભાજપ-કોંગ્રેસે ટિકિટ ન આપતાં હરીશ પટેલે અપક્ષ ફોર્મ ભર્યું ગત ચૂંટણીમાં ભાજપના સ્થાયીના પૂર્વ ચેરમેનને હરાવી વોર્ડ 1ની પેનલમાંથી જીતનાર કાઉન્સિલર હરીશ પટેલની ટિકિટ કપાતાં તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસે રમેલી રાજ રમતથી નારાજ હરીશ પટેલે કહ્યું છે કે, હવે ગઢમાં ગાબડું પડશે. નોંધનીય છે કે, હરીશ પટેલને સાંજે આવેલા એક કોલ બાદ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ત્યારબાદ પાર્ટીના પ્રદેશ અને સ્થાનિક હોદ્દેદારોએ તેમનો કોલ રિસીવ કરવાની પણ તસદી લીધી ન હતી. પુષ્પા વાઘેલા કપાય તો નુકસાન,અમી રાવતને ન કાપવા પ્રદેશના નિર્ણયે ‘ભોણા’નો ભોગ લીધો!
કોંગ્રેસ માટે વોર્ડ 1 મહત્ત્વનો છે. જીતેલા એકેય કાઉન્સિલરને કાપવા એ કોંગ્રેસ માટે નુકસાન છે. જોકે પુષ્પાબેનને ટિકિટ ન આપવાથી એસસીના વોટના નુકસાનની શક્યતા હતી. જ્યારે અમી રાવત માટે પ્રદેશના નિર્ણયથી શહેર કોંગ્રેસના હોદ્દેદારોએ ત્રીજાં મહિલા ઉમેદવારને ઉતાર્યાં છે. જાણકારો મુજબ હરીશ પટેલ (ભોણા)એ અપક્ષ ઉમેદવારી કરતાં કોંગ્રેસની સાથે ભાજપના મતો તોડે તેવી શક્યતા છે.
Read Original Article →