છોટાઉદેપુરમાં ખાણ-ખનિજની રેડ:ઇજનેરી પાંખ નહીં, ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારી ટેન્ડર કમિટીના અધ્યક્ષ

Gujarat5/22/2026, 12:01:03 AM
પાલિકાના વહીવટી તંત્રમાં અભૂતપૂર્વ નિર્ણય લેવાયો છે, પ્રથમ વખત ટેન્ડર સ્ક્રૂટિની કમિટીના વડા કે અધ્યક્ષ તરીકે નોન-ટેક્નિકલ અધિકારી નિમાયા છે. મ્યુ. કમિશનરે ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારીને મહત્ત્વપૂર્ણ કમિટીના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપાઈ છે. પાલિકા 50 દિવસથી કાયમી સિટી ઇજનેર વિના ચાલતી હતી, ટેન્ડર સ્ક્રૂટિની કમિટીની બેઠકો યોજી શકાતી ન હતી. આ મડાગાંઠને લીધે પાલિકાનાં વિકાસ કાર્યો અને ખરીદીને લગતી 70થી વધુ ફાઇલો પેન્ડિંગ થઈ હતી. ત્યારે મ્યુ.કમિશનરે કમિટીને પુનર્ગઠિત કરી છે. પાલિકાની પરંપરા મુજબ કમિટીના અધ્યક્ષ સ્થાને સિટી ઇજનેર કે ઇજનેરી પાંખના વરિષ્ઠ વડા જ હોય છે. અગાઉ કમિટીના અધ્યક્ષ તરીકે હવાલાના સિટી ઇજનેર અલ્પેશ મજમુદાર કાર્યરત હતા. જોકે હાલમાં સિટી ઇજનેરની જગ્યા ખાલી હોવાથી તંત્રે સિનિયોરિટીનાં ધોરણે ચીફ એકાઉન્ટન્ટને હંગામી ચાર્જ આપ્યો હોવાનું સૂત્રો જણાવે છે. અગાઉ વહીવટી ક્ષમતાને ધ્યાને રાખી ચીફ એકાઉન્ટન્ટને ડેપ્યુટી કમિશનર (દક્ષિણ ઝોન)ની જવાબદારી સોંપાઇ હતી. આ ઓર્ડરથી હવે ટેન્ડર પ્રક્રિયાની વહીવટી અને આર્થિક બાબતોની ચકાસણી ઝડપી બનશે અને અટકેલા પ્રોજેક્ટ્સને મંજૂરી મળી શકશે. કમિટીના અધ્યક્ષની જવાબદારીઓ બેઠકોનું સંચાલન : કમિટીની નિયમિત બેઠકો યોજવી અને પેન્ડિંગ ફાઇલોના નિકાલ માટે સમયસર નિર્ણયો લેવડાવવા. આખરી નિર્ણય અને નેતૃત્વ : કમિટીના તમામ સભ્યો (ટેક્નિકલ અને ઓડિટ અધિકારીઓ) વચ્ચે સંકલન સાધીને ટેન્ડર મંજૂર કરવા કે નહીં તેનો નિર્ણય લેવામાં ભૂમિકા ભજવવી. જવાબદેહી અને સુપરવિઝન : કમિટીના નિર્ણયો નિયમો અને પાલિકાના હિતમાં છે કે નહીં તેની જવાબદારી અધ્યક્ષની છે. ટેન્ડર સ્ક્રૂટિની કમિટીમાં ઇજનેર જ અધ્યક્ષ રહ્યા 1999માં ટેન્ડર સ્ક્રૂટિની કમિટીની રચના થઈ ત્યારથી અત્યાર સુધી કમિટીમાં હંમેશાં ઇજનેરી પાંખના અધિકારીઓ મુખ્ય ભૂમિકામાં રહ્યા છે. ભૂતકાળમાં સિટી ઇજનેર બનેલા કે તે સ્તરે પહોંચેલા ટેક્નિકલ વડા કમિટીમાં સામેલ થતા આવ્યા છે. 2012માં કા.ઇ (પ્રોજેક્ટ્સ) પી.એમ. પટેલ અને કા.ઇ અલ્પેશ મજમુદારનો સમાવેશ કરાયો હતો. ત્યારબાદ 2014માં કા. ઇ શૈલેષ મિસ્ત્રી અને 2017માં ઇ.એડી. સિટી એન્જિનિયર ધીરેન તળપદા જેવા સક્ષમ અધિકારીઓને વખતોવખત કમિટીના સભ્ય તરીકે સમાવીને તકનિકી નિર્ણયો લેવાની સત્તા સોંપાઈ હતી. ટેન્ડર સ્ક્રૂટિની કમિટીની કામગીરી અંદાજો અને સ્પેસિફિકેશનની ચકાસણી : પાલિકાની વિવિધ શાખા દ્વારા તૈયાર કરાતા ખરીદી તેમજ વર્ક્સનાં કામોના અંદાજો અને ટેક્નિકલ વિગતો નિયમો મુજબ છે કે નહીં તે તપાસવું. ટેન્ડર પ્રક્રિયાની પારદર્શિતા : પ્રી-ક્વોલિફિકેશન બીડ, ટેક્નિકલ બીડ અને પ્રાઇસ બીડની ઝીણવટપૂર્વક ચકાસણી કરવી, જેથી પ્રક્રિયામાં કોઈ ક્ષતિ કે વિસંગતતા ન રહે. બજાર ભાવ સાથે સરખામણી : ઇજારદારો કે એજન્સીઓએ ટેન્ડરમાં ભરેલા ભાવની બજાર ભાવ સાથે તુલના કરવી. નાણાકીય આયોજન: પાલિકાના બજેટમાં નાણાકીય જોગવાઈ કે આયોજન ઉપલબ્ધ છે કે નહીં તેની ખાતરી કરવી. ભલામણ અને અહેવાલ: ટેક્નિકલ, વહીવટી અને આર્થિક પાસાં ચકાસી મંજૂરી માટે સ્પષ્ટ અભિપ્રાય સાથે ભલામણ મોકલવી. સિટી ઇજનેર વિના ઠપ ટેન્ડર સ્ક્રૂટિની કમિટીની બેઠકો ફરી શરૂ થશે
Read Original Article →