પ્રક્રિયાનો પ્રારંભ:વસ્તી ગણતરીઃ શહેરમાં 4836 સુપરવાઇઝર નિમાયા, 1 જૂનથી ઘરે આવી માહિતી મેળવશે
સરકાર દ્વારા વર્ષ 2011 બાદ હવે વસ્તી ગણતરી શરૂ કરાઈ છે. શહેરમાં 17 થી 31 મે સુધી નાગરિકો જાતે ઓનલાઇન ડેટા ભરી શકશે. જ્યારે 1 જૂનથી વસ્તી ગણતરીના અધિકારી ઘરે આવશે અને ઓનલાઇન માહિતી ભરશે. મહત્ત્વની વાત એ છે કે, અધિકારી એક પણ ડોક્યૂમેન્ટ નહીં માગે. આ અંગે મ્યુનિ. કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, વસ્તી ગણતરી માટે 3,791 બ્લોક્સનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં 4836 ગણતરીદાર-સુપરવાઇઝરની નિમણૂક કરાઈ છે. તારીખ 17 મેથી 15 દિવસ સુધી નાગરિકો se.census.gov.in પરથી માર્ગદર્શન મેળવીને પોતાની માહિતી ઓનલાઈન ભરી શકશે. ત્યારબાદ અધિકારીઓ ઘરે પહોંચીને જો ડેટા જાતે નહીં ભર્યા હોય તો તેઓ ભરશે. આ પ્રક્રિયા માટે આવતા અધિકારીઓ એક પણ દસ્તાવેજ નહીં માગે. શહેરમાં 2011 અને 2026ની વસ્તી ગણતરી વચ્ચે મોટો તફાવત છે. 2011માં ડેટા નિયત નમૂનાના પ્રિન્ટેડ ફોર્મમાં ભરાયો હતો, જ્યારે 2026માં તે મોબાઇલ એપ દ્વારા લેવાશે. આ સમયગાળામાં વસ્તી વધતાં ચાર્જ ઓફિસર, ફીલ્ડ ટ્રેનર્સ, બ્લોકની સંખ્યા અને ગણતરીદારોની વહીવટી ટીમમાં નોંધપાત્ર વધારો કરાયો છે. અધિકારી પાસે ક્યૂઆર કોડ સાથેનું આઈકાર્ડ હશે
સેન્સસ અધિકારી શમિક જોષીએ જણાવ્યું હતું કે, ઘરે આવતા અધિકારીઓ પાસે આઈકાર્ડ હશે. જેમાં તેમની ઓળખ હશે. આ સિવાય આઈકાર્ડ પર ક્યૂઆર કોડ હશે, જેને સ્કેન કરીને પણ ઓળખ જાણી શકાશે. જો કોઈ શંકા જણાય તો વોર્ડ ઓફિસર અથવા પાલિકાને જાણ કરીને ખરાઈ કરી શકાશે. પાલિકા એલઇડી સ્ક્રીન પરથી કેવી રીતે જાતે ફોર્મ ભરવું તેની જાગૃતતા ફેલાવશે.
Read Original Article →