ચકચાર:MSUના પ્રાધ્યાપકોના નિવાસ સ્થાન વિક્રમબાગમાંથી દારૂ ભરેલી કાર મળી
મ.સ.યુનિ.ના પ્રાધ્યાપકોના સત્તાવાર નિવાસ સ્થાન વિક્રમબાગમાંથી મંગળવારે બપોરે દારુ ભરેલી કાર પોલીસને મળતાં કોલોનીમાં ચકચાર મચી હતી. બપોરે એક વાગ્યે પોલીસે બાતમીના આધારે કારની તપાસ કરતાં ભારતીય બનાવટની વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની 948 બોટલો મળી હતી. જેની કિંમત રૂ.4.33 લાખ આંકવામાં આવી છે. ઘટનાને પગલે વિક્રમબાગમાં રહેતા શિક્ષકોમાં ચર્ચાનો વિષય બની હતી. સૂત્રો મુજબ કાર સોમવારે મોડી રાત્રે કોઇ અજાણ્યા ઇસમો પાર્ક કરી ગયા હતા. પોલીસ બાતમીને આધારે પહોંચી ત્યારે કારમાં કાળા રંગના પોલિસ્ટર વસ્ત્રની નીચે દારૂની પેટીઓ ઢાંકેલી હતી. પોલીસે આ કાર અને દારૂના જથ્થા અંગે તલસ્પર્શી તપાસ કરીને કારની સાથેના 2 ઇસમોની અટકાયત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સી બ્લોકમાં કોમર્સ ફેકલ્ટીના એક જ મહિલા પ્રોફેસર રહે છે. બાકીના રૂમોમાં વિદેશી વિદ્યાર્થીઓને શિફ્ટ કર્યા છે. જેમાં મુખ્યત્વે બુકિના ફાસો અને કેન્યાના વધુ છે. આ ઉપરાંત ભૂતાનના પણ વિદ્યાર્થી આ બ્લોકમાં છે. વિદેશી વિદ્યાર્થીઓના જ બ્લોકની સામેથી આ કાર મળતાં શિક્ષકોમાં તરેહતરેહની ચર્ચાઓ ચાલી હતી. આ દારુ કોણે મંગાવ્યો અને વિક્રમબાગમાં જ પાર્ક કરવાનું કોણે કહ્યું હતું. યુનિવર્સિટીમાંથી કોઇ સામેલગીરી છે કે નહીં તેની તપાસ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે. મ.સ.યુનિ.ના સિક્યુરિટીના અધિકારીએ સ્ટાફ પાસે વિક્રમબાગના ફોટો ડિલીટ કરાવ્યા
દારુ ભરેલી કાર વિક્રમબાગમાં જ કેમ પાર્ક કરવામાં આવી તેની પોલીસ તપાસ કરી રહી છે. પણ સૂત્રોના જણાવ્યા મુજબ આ સ્થળે પોલીસ પહોંચી ત્યારે એમએસયુની સિક્યુરિટી પણ પહોંચી હતી. ત્યારે એક અધિકારીએ સિક્યુરિટીના સ્ટાફે પણ દારુ ભરેલી કારમાં દારૂના જથ્થા સાથે ફોટો પોતાના મોબાઇલ ફોનમાં લીધા હતા. ત્યાં યુનિવર્સિટી સિક્યુરિટીના એક અધિકારીએ સ્ટાફ પાસેથી ફોટો ડિલિટ કરાવ્યાં હતા. એટલું જ નહીં એ અધિકારીએ સૌના ફોન ચેક કરીને ખાતરી કરી હતી. યુનિવર્સિટી હેડ ઓફિસમાં જ મોટો હોદ્દો ધરાવતાં એક અધિકારીના ખાસમખાસ મનાતા આ સિક્યુરિટી અધિકારીએ કોના ઇશારે આ હરકત કરી તે જાણી શકાયું નથી પણ સ્ટાફે સમસમીને ફોટો ડિલિટ કરી દીધા હતા.
Read Original Article →