આંતરરાષ્ટ્રીય ઠગાઇ:રેસકોર્સના ફ્લેટમાંથી લોનના નામે અમેરિકી લોકોને ઠગતા 4 યુવકોનું કોલ સેન્ટર પકડાયું

Gujarat6/8/2026, 12:24:37 AM
આંતરરાષ્ટ્રીય ઠગાઇ:રેસકોર્સના ફ્લેટમાંથી લોનના નામે અમેરિકી લોકોને ઠગતા 4 યુવકોનું કોલ સેન્ટર પકડાયું
શહેરના પોશ વિસ્તાર રેસકોર્સ રોડ પર આવેલા બેરિલ એપાર્ટમેન્ટના ફ્લેટમાં ચાલતા આંતરરાષ્ટ્રીય નકલી કોલ સેન્ટરનો એલસીબી ઝોન-2ની ટીમે પર્દાફાશ કર્યો છે. 4 ઠગ અમેરિકન નાગરિકોને ‘તમારી લોન મંજૂર થઈ છે’ તેમ કહી ફોન કરતા હતા અને પ્રોસેસિંગ ફીના નામે નાણાં પડાવી છેતરપિંડી આચરતા હોવાનું નેટવર્ક પકડાયું છે. પોલીસે ફ્લેટમાંથી 4 શખ્સને ઝડપી પાડી કાર્યવાહી શરૂ કરી છે. એલસીબી ઝોન-2ના પીએસઆઈ સી.એમ.ગઢવીની ટીમને બાતમી મળી હતી કે, રેસકોર્સ રોડ પર આવેલા બેરિલ એપાર્ટમેન્ટમાં કરણ લોકવાણી તેના મિત્રો સાથે ગેરકાયદે ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાવે છે. તેઓ અમેરિકામાં રહેતા લોકોને ફાઇનાન્સ કંપનીના નામે ફોન કરે છે અને લોન મંજૂરીના બહાને છેતરપિંડી આચરે છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસે ત્યાંથી ચાર જણાને 7 લેપટોપ, 8 મોબાઈલ ફોન અને વાઈફાઈ રાઉટર સહિત કુલ રૂ. 3.57 લાખના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, કરણ લોકવાણી અને જોનાથન દાસ અમેરિકન નાગરિકો સાથે ફોન પર સીધી વાત કરતા હતા, જ્યારે અન્ય બે આરોપીઓ તેમને મદદ કરતા હતા. તેઓ અમેરિકન નાગરિકોને ‘સિટી ક્રેડિટ્સ’ના નામે ફોન કરીને તેમની 3 હજાર ડોલરની લોન મંજૂર થઈ હોવાનું જણાવતા હતા. ત્યારબાદ પ્રોસેસિંગ ફી પેટે 150થી 200 ડોલર એપલ ગિફ્ટ કાર્ડ દ્વારા મેળવી લેતા હતા. આ ટોળકી રાત્રે 9 વાગ્યાથી લઈને મોડી રાતના 3 વાગ્યા સુધી ઠગાઈની પ્રવૃત્તિ કરતી હતી. હાલ આ સમગ્ર મામલે અકોટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રૂા.50 હજારના ભાડે ફર્નિશ્ડ ફ્લેટ ભાડે રાખ્યો હતો કરણે તા.15 ફ્રેબ્રુઆરીએ રેસકોર્ષના બેરિલ એપાર્ટમેન્ટનો ફૂલ્લી ફર્નિશ્ડ 3 બીએચકે ફ્લેટ રૂ.50 હજારના ભાડેથી રાખ્યો હતો. ચારેય અહીં જ રહેતા હતા. ભારતીય સમય મુજબ આખી રાત ઠગાઈ કરી ચારેય જણા દિવસ ભર ફ્લેટમાં જ રહેતા હતા. વેબ-સિરીઝ જોઈને ઠગાઇ શીખતા હતા પોલીસે નકલી કોલ સેન્ટર પકડી પાડ્યું છે. 4 આરોપીની ધરપકડ કરી છે. તેઓ વેબ-સિરિઝથી ફ્રોડ શીખતા હોવાનું તપાસમાં કહ્યું છે. ઘટના અંગે ઉંડાણપૂર્વક તપાસ કરી રહ્યાં છીએ. - મંજીતા વણજારા, ડીસીપી ઝોન-2 કેટલા લોકોને છેતર્યા, કેટલાં નાણાં ઠગ્યાં તેની તપાસ તપાસમાં આરોપીઓએ તેઓ 2 મહિનાની ઠગાઈમાં અઢી લાખથી વધુ કમાયા હોવાનું કહ્યું હતું. જોકે તેઓએ કેટલા લોકોને ઠગ્યા અને કેટલા રૂપિયા મેળવ્યા તે ચોક્કસ માહિતી માટે પોલીસ બેંક એકાઉન્ટની તપાસ કરનાર છે. સાથે જ તેઓના મોબાઇલની પણ તપાસ કરશે. ડાર્ક વેબ પરથી 1 ડોલરમાં 50 અમેરિકન ગ્રાહકના નંબર ખરીદતા હતા આરોપીઓએ ઓનલાઇન અમેરિકાનું ઈ-સિમ ખરીદીને તેને એક્ટિવ કરાવી લીધું હતું. જોકે ત્યારબાદ અમેરિક સિટિઝનને ઠગવા માટે તેમના ફોન નંબર ડાર્ક વેબ પરથી મેળવતા હોવાનું બહાર આવ્યું છે. ડાર્ક વેબ પર 1 ડોલરમાં 50 જુદા-જુદા નંબર ખરીદતા હતા. તેમણે અત્યાર સુધી 2 હજારથી વધુ નંબર ખરીદ્યા હતા. આ નંબરો પર ફોન કરીને તેઓ લોકોને લાલચ આપીને રૂપિયા પડાવતા હતા. અમદાવાદથી પંકજ ખાસ ઠગાઈનું કામ શીખવા માટે વડોદરા આવ્યો પંકજ જેઠવાણી કરણનો પરિચિત હતો. તે એક મહિના અગાઉ કરણના ફ્લેટ પર રહેવા આવ્યો હતો. તે કરણ કેવી રીતે આખુ ઠગાઈનું સેન્ટર ચલાવે છે, કેવી રીતે ઠગે છે તે શીખવા તે વડોદરા આવ્યો હતો. તેને પણ કામ શીખીને ઠગાઈની પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. કરણ સાથે રહીને કામ શીખ્યા બાદ તે અમદાવાદ જઈને કોલ સેન્ટર ઉભુ કરવાનો હતો કે કેમ તે અંગે પોલીસ પૂછપરછ કરી રહી છે. અમેરિકન સિટિઝનની સંડોવણી, નાણાં ટ્રાન્સફર કરવા 20-25% કમિશન લેતો કરણ લોકવાણી સાગરીતો સાથે મળી અમેરિક સિટિઝનો પાસે લોન પ્રોસેસની ફી એપલ ગીફ્કટ કાર્ડ તરીકે મેળવતો હતો અને એક્સોડોસ નામની વર્ચ્યુલ વોલેટથી ડોલરને રૂપિયામાં કન્વર્ટ કરી મેળવતો હતો. આ ફ્રોડમાં અમેરિકન સિટિઝનની પણ સંડોવણી બહાર આવી છે.
Read Original Article →