30 વર્ષિય યુવકનો મળી આવ્યો મૃતદેહ:ઘરમાંથી 3 દિવસથી ગંધ મારતી હતી દરવાજો તોડતાં યુવકનો મૃતદેહ મળ્યો
ગોત્રી વિસ્તારમાં આવેલા એક ઘરમાંથી 30 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. પાડોશીઓને યુવકના ઘરમાંથી દુર્ગંધ આવતી હોવાને કારણે તેઓએ શનિવારે સાંજે પોલીસને જાણ કરતા પોલીસ અને લાશ્કરો દોડી આવ્યા હતા. તેમણે દરવાજો તોડીને યુવકના મૃતદેહને પોલીસને સોંપ્યો હતો. પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં બહાર આવ્યું હતું કે, યુવકનું મોત હૃદય રોગના હુમલાને કારણે થયું છે. ગોત્રીમાં આવેલી ઓમ સોસાયટીમાં રહેતો 30 વર્ષીય સુરજ સુધાકરણ નાયર નંદેસરી જીઆઈડીસીમાં આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. ગુરુવારથી સુરજ ન દેખાતા અને શનિવાર સાંજેથી તેના ઘરમાંથી તીવ્ર દુર્ગંધ આવતા પાડોશીએ પોલીસને જાણ કરી હતી. ગોત્રી પોલીસ સુરજના ઘરે દોડી આવી હતી. તેના ઘરનો દરવાજો અંદરથી બંધ હોવાને કારણે લાશ્કરોએ દરવાજો તોડતા પોલીસને સુરજનો મૃતદેહ તેના પલંગ પરથી મળી આવ્યો હતો. જેથી પોલીસે મૃતદેહનો કબ્જો લઈને ગોત્રી જીએમઈઆરએસ હૉસ્પિટલમાં ખસેડ્યો હતો. સુધાકરના માસીના દીકરા અતુલ કુરૂપ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અહીંના સ્થાનિક દુકાનદારોએ મને જાણ કરી હતી કે સુરજના ઘરમાંથી છેલ્લા ત્રણ દિવસથી અસહ્ય વાસ આવી રહી છે. સોસાયટીના લોકોએ દરવાજો ખખડાવ્યો હતો પરંતુ અંદરથી કોઈ જ જવાબ મળ્યો નહોતો, એટલે પાડોશીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને અમને પણ બોલાવ્યા હતાં.
Read Original Article →