કરજણના MLAના પુત્રએ યુવકને ઊંધો લટકાવી ઢોર માર માર્યો:ડીઝલ ચોરીના આરોપમાં ડમ્પર ડ્રાઈવરને લોખંડની પાઈપથી ફટકાર્યાનો આક્ષેપ, રૂષી પટેલ સહિત 5 સામે એટ્રોસિટીનો ગુનો દાખલ
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઇન્દોરગામે નવીનગરીમાં રહેતા ડમ્પર ચાલકને ડીઝલ ચોરીના આરોપે ઓફિસે બોલાવી લોખંડ અને પ્લાસ્ટિકની પાઈપ વડે માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં દોરડાથી ઊંધા માથે લટકાવીને માર માર્યા બાદ જાતિવિષયક અપમાનજનક શબ્દો બોલી અમાનુસી અત્યાચાર ગુજાર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પીડિત ડ્રાઈવરે ફરિયાદ નોંધાવતા વલણ પોલીસે ધારાસભ્યના પુત્ર સહિત પાંચ લોકો સામે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ મામલે કરજણના ધારાસભ્ય અક્ષર પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સંપર્ક થઈ શક્યો નહોતો. ઓફિસે બોલાવી વારાફરતી પાઈપો વડે ફટકાર્યા
પીડિત નટવરભાઈ વસાવા છેલ્લા એક વર્ષથી ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર રૂષી પટેલના હાઈવા ડમ્પરમાં ડ્રાઈવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 15 મેના રોજ તેઓ અન્ય એક ડ્રાઈવર સાથે જંબુસર ખાતે રેતી ખાલી કરીને પરત ફર્યા ત્યારે તેમને બકાપુર ઓફિસે બોલાવાયા હતા. ત્યાં રૂષી પટેલે તેમને એક વાહનનો ફોટો બતાવી ડીઝલ ચોરીનો આક્ષેપ કર્યો હતો. નટવરભાઈએ આ વાત નકારતા જ રૂષી પટેલે લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો અને ત્યારબાદ અન્ય ચાર સાગરીતોએ વારાફરતી પ્લાસ્ટિકની પાઈપોથી આડેધડ ફટકા માર્યા હતા. ઊંધા માથે લટકાવી બર્બરતા ગુજારી, હોસ્પિટલમાં દાખલ
આરોપીઓએ ક્રૂરતાની હદ વટાવીને નટવરભાઈના પગ દોરડાથી બાંધીને તેમને ઓફિસમાં ઊંધા માથે લટકાવી દીધા હતા અને જાતિવિષયક ગાળો આપી ગડદા-પાટુનો માર માર્યો હતો. ગંભીર મારના કારણે પીડિત બેભાન જેવા થઈ જતાં આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. બાદમાં ઓફિસના અન્ય કર્મચારીઓએ તેમને બચાવી મોટરસાઈકલ પર કહોણા હોડી ઘાટ સુધી પહોંચાડ્યા હતા, જ્યાંથી તેમનો પુત્ર તેમને ઘરે લાવ્યો હતો. પીડિતને 108 એમ્બ્યુલન્સ મારફતે પહેલા ઉમલ્લા સરકારી દવાખાને અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આદિવાસી સમાજમાં રોષ અને કડક કલમો ઉમેરવાની માંગ
આ અમાનૂસી અત્યાચારને પગલે આદિવાસી સમાજના આગેવાનો અને પીડિત પરિવારમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. એડવોકેટ મિનેશ પરમારે જણાવ્યું હતું કે, ડ્રાઇવરને એટલી ગંભીર ઇજાઓ થઈ છે કે તેઓ આગામી 2-3 મહિના સુધી કામ કરી શકે તેમ નથી. આ મામલે પોલીસ ફરિયાદમાં હજુ પણ BNS 109 અને 118 (2) જેવી ગંભીર કલમો ઉમેરવામાં આવી નથી, જેના માટે આગામી સમયમાં ડીવાયએસપી (DySP) ને મળીને રજૂઆત કરવામાં આવશે. રાજકીય દબાણ વગર તમામ પુરાવા જળવાઈ રહે અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ થાય તેવી માંગ ઉઠી છે. ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓ હાલમાં વલણ પોલીસે ગુનો નોંધી તમામ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી કાયદેસરની તજવીજ હાથ ધરી છે.
Read Original Article →