રોયલ સત્યમેવ જયતે ગ્રુપના BCAમાં ગેરવહીવટના ગંભીર આક્ષેપ:ડૉ.બેંકરે કહ્યું-BCAના પૈસાનો વેડફાટ, કોઈ કહે કે હું BCAનો પ્રેસિડેન્ટ છું તો એ મમતા દીદી જેવું કરે છે; અમે હાઇકોર્ટમાં જઈશું
બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણી યોજાયા બાદ ગુજરાત હાઇકોર્ટે પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલાને BCAની ચૂંટણી લડવા અયોગ્ય જાહેર કર્યા હતા. ત્યારબાદ BCAની મત ગણતરી કરવા પર કોર્ટે સ્ટે મૂક્યો છે. ગુજરાત હાઇકોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે. આ દરમિયાન આજે રોયલ સત્યમેવ જયતે ગ્રુપે પ્રેસ કોન્ફરન્સ યોજીને BCAમાં હાલ ગેરવહીવટ ચાલી રહ્યો હોવાના આક્ષેપ કર્યા હતા. સાથે જ CEO એમની મનમાની કરી રહ્યા છે. BCAના પૈસાનો વેડફાટ કરી રહ્યા છે, તેવા પણ આક્ષેપો લગાવ્યા હતા અને આ મામલે હાઇકોર્ટના દ્વારા ખખડાવાની ચીમકી ઉચ્ચારી છે. 'BCAમાં હાલ ગેરવહીવટ ચાલી રહ્યો છે'
રોયલ સત્યમેવ જયતે ગ્રુપના પ્રમુખ પદના ઉમેદવાર ડૉ. દર્શન બેંકરે જણાવ્યું હતું કે, BCAમાં હાલ ગેરવહીવટ ચાલી રહ્યો છે અને CEO એમની મનમાની કરી રહ્યા છે. BCAના પૈસાનો વેડફાટ કરી રહ્યા છે એ ખરેખર અયોગ્ય છે અને એની સામે અવાજ ઉઠાવવા અને કોન્ટમ્ટ ઓફ કોર્ટની નોટિસ આપવાનો એક પ્રયાસ છે. અમે નોટિસ બજાવી રહ્યા છીએ અને હાઇકોર્ટમાં જઈ રહ્યા છીએ. હું કોઈ સંચાલન કરતો હોય તો મારી ટીમ રમી શકે? કારણ કે એમાં બાયસ થઈ શકે. તેવી જ રીતે બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ એલેમ્બિકના ચેરમેન હોય ત્યારે બરોડા પ્રીમિયર લીગમાં એલેમ્બિકની ટીમ ન રમી શકે. આ બીસીસીઆઈ અને બીસીએના નિયમોની વિરુદ્ધ છે. 'હું બીસીએનો પ્રેસિડેન્ટ છું, મમતા દીદી જેવું કરી રહ્યા છે'
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ અત્યારે કોઈ પ્રેસિડેન્ટ નથી કે કોઈ સેક્રેટરી નથી, હાલ કેરેટેકર બોડી છે. કોઈ એવું કહેતું હોય કે હું બીસીએનો પ્રેસિડેન્ટ છું, તો એ મમતા દીદી જેવું કરી રહ્યા છે કે, ખુરશી પરથી હટવું જ નથી. અનંત ઇન્દુલકર કેરેટેકર બોડીના પાર્ટ છે, પરંતુ એ લોકોએ કેરેટેકર બોર્ડની એક પણ મિટિંગ બોલાવી નથી. એ જાતે જ બધા નિર્ણયો લઈ રહ્યા છે. એ પણ અયોગ્ય છે. બરોડા પ્રીમિયર લીગ પાછળ ગયા વર્ષે 8થી 10 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો અને આ વર્ષે પણ એ લોકો કરી રહ્યા છે. 'અમે હાઇકોર્ટના દ્વારા ખખડાવીશું'
તેઓએ કહ્યું કે, હાઇકોર્ટે એમને ચોખ્ખું કહ્યું છે કે તમે મેજર એક્સપેન્સીસ ન કરી શકો. તેમ છતાં એ લોકો મેજર એક્સપેન્સીસ કરી રહ્યા છે. આ ગેરકાયદેસર છે અને કેરેટેકર બોડીને પૂછ્યા વગર કરવામાં આવી રહ્યું છે. કારણ કે કેરેટેકર બોડીને પૂછ્યા વગર કંઈ પણ કરવાની CEOની સત્તા નથી. જેના માટે અમે હાઇકોર્ટના દ્વારા ખખડાવીશું. CEOની ટર્મ પૂરી થઈ ગઈ છે અને તેમને કોઈએ રીજોઈનિંગ લેટર પણ આપવામાં આવ્યો નથી. BCAને કંઈ પણ નુકસાન થશે એની જવાબદારી CEOની રહેશે અને અમે એની રિકવરી કરીશું. 'હું BCAની છેલ્લી ટર્મમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી ચૂક્યો છું'
રોયલ સત્યમેવ જયતે ગ્રુપના સેક્રેટરી પદના અનંત ઇન્દુલકરે જણાવ્યું હતું કે, હું BCAની છેલ્લી ટર્મમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી ચૂક્યો છું. હાલમાં જ યોજાયેલી ચૂંટણીમાં મેં સેક્રેટરી પદ માટે ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ હાલ આ મામલો નામદાર હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. હાઈકોર્ટે 18 ફેબ્રુઆરી અને 16 માર્ચ 2026ના રોજ જે આદેશો આપ્યા છે, તેમાં સ્પષ્ટ શરતો મૂકવામાં આવી છે. BCAના રોજિંદા વહીવટ અને ક્રિકેટની પ્રવૃત્તિઓને અસર ન થાય તે માટે હાલના હોદ્દેદારોને કેરટેકર બોડી' તરીકે કાર્ય કરવાની મંજૂરી આપી છે. આનો અર્થ એ છે કે 18 ફેબ્રુઆરી પછીના તમામ નિર્ણયો માત્ર આ કેરટેકર બોડી દ્વારા જ લઈ શકાય. 'મારી સાથે કોઈ ચર્ચા કે વિચારણા કરવામાં આવતી નથી'
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હું પોતે આ કેરટેકર બોડીનો સભ્ય હોવા છતાં, મને ઓફિસમાં પ્રવેશવા માટે પણ મંજૂરી આપવામાં આવતી નથી. મીટિંગોમાં જવાની વાત તો દૂર રહી, અત્યાર સુધી મને એક પણ મીટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી. મેં બે વાર લેખિતમાં પણ જાણ કરી છે કે જો કોઈ નિર્ણયો લેવામાં આવશે તો તે માટે હું જવાબદાર રહીશ નહીં, કારણ કે મારી સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કે વિચારણા કરવામાં આવતી નથી. 'સ્નેહલ પરીખ અનધિકૃત રીતે કામ કરી રહ્યા છે'
તેઓએ ઉમેર્યું હતું કે, મને મળેલી માહિતી મુજબ, પર્ફોર્મન્સ બોનસ અને BPLના કોન્ટ્રાક્ટ્સ આપવા જેવા અત્યંત મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ સિવાય પણ અનેક નિર્ણયો લેવાયા હોઈ શકે છે, જેની મને કોઈ જ જાણકારી નથી. મારા મતે સ્નેહલ પરીખ હવે CEO નથી, તેઓ એક સામાન્ય વ્યક્તિ છે. તેમની ટર્મ પૂરી થઈ ગઈ હોવા છતાં તેઓ અનધિકૃત રીતે કામ કરી રહ્યા છે. તેઓ જે પણ નિર્ણયો લે છે તે તેમના વ્યક્તિગત નિર્ણયો ગણાશે, કારણ કે તેઓ નિયમ મુજબ આ હોદ્દા પર રહી શકે નહીં. લોકો કહે છે કે તેમને બે વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે, પરંતુ આ બાબતે મને કોઈ સત્તાવાર મંજૂરી કે જાણકારી આપવામાં આવી નથી.
Read Original Article →