બરોડા પ્રીમિયર લીગ સીઝન-2માં પૃથ્વી પેન્થર્સની બીજી જીત:નારાયણ કાર્તિકેયે 33 બોલમાં 62 રનની આક્રમક ઇનિંગ્સ રમી, 4 વિકેટ લેનાર જયપાલ ચાડને 'બેસ્ટ બોલર'નો એવોર્ડ મળ્યો
વડોદરા શહેરના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બરોડા પ્રીમિયર લીગ (BPL) સીઝન-2ની 12મી મેચમાં પૃથ્વી પેન્થર્સે એલેમ્બિક વોરિયર્સને 8 વિકેટે હરાવી ટૂર્નામેન્ટમાં પોતાની બીજી જીત નોંધાવી હતી. ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધા બાદ પૃથ્વી પેન્થર્સના બોલરોએ એલેમ્બિક વોરિયર્સને 20 ઓવરમાં 8 વિકેટે 165 રન સુધી મર્યાદિત રાખ્યા હતા. એલેમ્બિક વોરિયર્સ તરફથી ધ્રુવ એન. પટેલે 49 બોલમાં 78 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી, જેમાં 2 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે સફવાન પટેલ અને પ્રદીપ યાદવે 1-1 વિકેટ ઝડપી હતી. 166 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં પૃથ્વી પેન્થર્સે 19.3 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવી વિજય હાંસલ કર્યો હતો. નારાયણ કાર્તિકેયે 33 બોલમાં 62 રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી, જેમાં 3 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે. પ્રિયાંશુ મોલિયાએ પણ 42 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. પૃથ્વી પેન્થર્સ તરફથી જયપાલ ચાડે 4 વિકેટ અને વિશાલ સોલંકીએ 3 વિકેટ ઝડપી મેચના વિજયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. નારાયણ કાર્તિકેયને તેમની વિસ્ફોટક 62 રનની ઇનિંગ્સ બદલ 'મેન ઑફ ધ મેચ' તેમજ 'બેસ્ટ સ્ટ્રાઇકર'નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે પોતાની ઘાતક બોલિંગથી 4 વિકેટ ઝડપી મેચનું પાસું પલટનાર જયપાલ ચાડને 'બેસ્ટ બોલર' તેમજ 'ગ્રીન ડોટ એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Read Original Article →