બરોડા પ્રીમિયર લીગ સિઝન 2માં ડાયમંડ ડેઝલર્સનો રોમાંચક વિજય:3 રને પૃથ્વી પેન્થર્સને પરાજય આપ્યો, મિતેશ પટેલે 45 બોલમાં 76 રનની તોફાની ઇનિંગ રમી
બરોડા પ્રીમિયર લીગ સિઝન 2માં આજે રમાયેલી અત્યંત રોમાંચક અને હાઈ-સ્કોરિંગ મેચમાં ડાયમંડ ડેઝલર્સે પ્રુથ્વી પેન્થર્સ સામે 3 રનથી યાદગાર વિજય નોંધાવ્યો. અંતિમ ઓવર સુધી ખેંચાયેલી આ મેચમાં બંને ટીમોના ખેલાડીઓએ આક્રમક બેટિંગ અને જોરદાર લડાયક ભાવના દર્શાવી હતી. મિતેશ પટેલે 45 બોલમાં 76 રનની શાનદાર ઇનિંગ રમી
પ્રથમ બેટિંગ કરતાં ડાયમંડ ડેઝલર્સે 19.5 ઓવરમાં 6 વિકેટના નુકસાને 203 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. ટીમ માટે મિતેશ પટેલે 45 બોલમાં 76 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થતો હતો. નજીમ પટેલે માત્ર 20 બોલમાં 50 રનની તોફાની અડધી સદી ફટકારી હતી, જેમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા. અંતિમ તબક્કામાં કાર્તિક કાકડેએ માત્ર 3 બોલમાં અણનમ 13 રન બનાવી ટીમને 200ના આંકડાને પાર પહોંચાડી હતી. પ્રુથ્વી પેન્થર્સ તરફથી મહેશ પીઠિયા, હેત પટેલ, જયપાલ ચાડ, કૃશ પટેલ અને વિશાલ સોલંકીએ એક-એક વિકેટ મેળવી હતી. પ્રિયાંશુ મોલિયાએ માત્ર 22 બોલમાં 50 રનની વિસ્ફોટક ઇનિંગ રમી
204 રનના મુશ્કેલ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પૃથ્વી પેન્થર્સે પણ જોરદાર પ્રતિસાદ આપ્યો હતો. પ્રિયાંશુ મોલિયાએ માત્ર 22 બોલમાં 50 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી, જ્યારે નિત્ય પંડ્યાએ 47 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. અંતિમ ઓવરોમાં વિશ્વ ચૌધરીએ 18 બોલમાં 41 રનની ઝડપી ઇનિંગ્સ રમી મેચને રોમાંચક બનાવી દીધી હતી. તેમ છતાં ડાયમંડ ડેઝલર્સના બોલરોએ દબાણની ક્ષણોમાં શાનદાર નિયંત્રણ જાળવી રાખ્યું હતું. અભિમન્યુ રાજપૂતે 4 ઓવરમાં 30 રન આપી 2 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. દીપ પટેલ, અભિષેક સ્વામીનાથન, કાર્તિક કાકડે અને સંકેત અગ્રવાલે એક-એક વિકેટ મેળવી હતી.20 ઓવરના અંતે પૃથ્વી પેન્થર્સ 7 વિકેટના નુકસાને 200 રન સુધી જ પહોંચી શકી હતી અને ડાયમંડ ડેઝલર્સે 3 રનથી રોમાંચક જીત નોંધાવી હતી.
Read Original Article →