ન્યૂ VIP રોડ પર પાડોશીઓ આમને-સામને:નજીવી બાબતે બંને પક્ષે એકબીજાના માથા ફોડ્યા, બાપોદ પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાવી

Gujarat6/6/2026, 10:09:16 AM
ન્યૂ VIP રોડ પર પાડોશીઓ આમને-સામને:નજીવી બાબતે બંને પક્ષે એકબીજાના માથા ફોડ્યા, બાપોદ પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાવી
શહેરના ન્યૂ વી.આઈ.પી. રોડ વિસ્તારમાં આવેલા શિવશક્તિ ચોક ખાતે પડોશીઓ વચ્ચે સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલી જોતજોતામાં લોહિયાળ ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી. યુવતીને ઘર સુધી મૂકવા જવા જેવી બાબતનું વેર રાખી બંને પક્ષના લોકો લાકડીઓ, માથામાં પહેરવાના કડા અને પથ્થરો લઈને સામસામે આવી ગયા હતા. આ હિંસક મારામારીમાં બંને પક્ષના અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા. આ અંગે બાપોદ પોલીસે બંને પક્ષની ફરિયાદોના આધારે સામસામે ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે. પ્રથમ પક્ષનો આક્ષેપ: “બહેનની મિત્રને મૂકવા જતાં રોકીને કડું ફટકાર્યું” બાપોદ પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર, પ્રથમ પક્ષના સચિનભાઈ કનુભાઈ સોલંકીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ પોતાની બહેનની એક મિત્રને તેના ઘરે મૂકવા જઈ રહ્યા હતા. આ સમયે પડોશમાં રહેતા અનિલભાઈ રમણભાઈએ તેમને અધવચ્ચે રોક્યા હતા અને "અહીં છોકરીઓને કેમ લાવે છે?" તેમ કહીને જાહેરમાં બિભત્સ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વિવાદ વધતા અનિલભાઈએ સચિનભાઈના માથાના ભાગે લોખંડનું કડું મારીને લોહીલુહાણ કરી દીધા હતા. આ દરમિયાન સચિનભાઈના ભાઈ સારૂપ સોલંકી વચ્ચે પડતા અનિલભાઈએ તેમને પણ બેરહેમીથી માર માર્યો હતો. આટલેથી ન અટકતા અનિલભાઈના પુત્ર વરૂણ ઉર્ફે ભલીએ સચિનભાઈને પથ્થર માર્યો હતો, જ્યારે સોનુ અને વિવેક ઉર્ફે મોન્ટુ નામના શખ્સોએ સારૂપ સોલંકી તથા કનુભાઈ સોલંકીને માર માર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા સચિનભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તેમના માથામાં ટાંકા આવ્યા છે. સામા પક્ષનો વળતો આક્ષેપ: “પૂછપરછ કરતાં લાકડી અને પથ્થરો વડે હુમલો કર્યો” બીજી તરફ, સામા પક્ષના અનિલભાઈ રમણભાઈએ પણ સચિન અને તેના પરિવાર સામે વળતી ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું છે કે તેઓ પોતાના ઘરની બહાર ઊભા હતા, ત્યારે સચિન ઉર્ફે કાલી સોલંકી એક યુવતીને તેના ઘરેથી બહાર લાવી રહ્યો હતો. આ અંગે આસપાસના વાતાવરણને ધ્યાને રાખી માત્ર પૂછપરછ કરતાં જ સચિન ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બંને પક્ષે માથામાં આવ્યા ટાંકા તકરાર વધતા સચિનના ભાઈ સારૂપ ઉર્ફે જેમોએ અનિલભાઈના માથામાં કડું મારી દીધું હતું. પિતાને બચાવવા અનિલભાઈનો પુત્ર સોનુ વચ્ચે પડતા સચિનના પિતા કનુભાઈએ તેને પથ્થર મારી ઈજા પહોંચાડી હતી. આ ઉપરાંત સચિને લાકડી વડે અનિલભાઈના પગ ભાંગી નાખવાના ઈરાદે આડેધડ ઘા ઝીંક્યા હતા. અનિલભાઈ અને તેમના પુત્ર સોનુને પણ સયાજી હોસ્પિટલમાં સારવાર અપાવી પડી હતી, જ્યાં બંનેના માથામાં ટાંકા આવ્યા હોવાનું તબીબોએ જાહેર કર્યું છે. બાપોદ પોલીસે સામસામે ગુનો નોંધી તપાસ તેજ કરી એક જ મહોલ્લામાં પડોશીઓ વચ્ચે થયેલા આ લોહિયાળ ખેલને પગલે સ્થાનિક રહીશોમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો છે. બાપોદ પોલીસે બંને પક્ષના કુલ અડધા ડઝનથી વધુ હુમલાખોરો વિરૂદ્ધ IPC/BNSની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તમામ આરોપીઓની સત્તાવાર ધરપકડ કરવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.
Read Original Article →