ચાલુ ટ્રેનમાંથી મહીસાગર નદીમાં પડી જતા ડોકટરનું મોત:આણંદથી વડોદરા આવતી સમયે ફાજલપુર પાસે અકસ્માત સર્જાયો, 3 મહિનાના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી
આણંદથી વડોદરા આવી રહેલી ટ્રેનમાં સવાર એક તબીબ કોઈ કારણોસર મહીસાગર નદીમાં ખાબકતા મોત નિપજ્યું છે. આ બનવા અકસ્માતનો છે કે આત્મહત્યાનો તેને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે. તબીબ સોમવારે જ્યારે ટ્રેન મારફત આણંદથી વડોદરા આવી રહ્યા હતા ત્યારે ફાજલપુર નજીક આ અકસ્માત સર્જાયો હતો. તબીબના પત્ની પણ ફિઝિયોથેરાપિસ્ટ છે. સંતાનમાં એક ત્રણ મહિનાનો દીકરો છે. ચાલુ ટ્રેનમાંથી કોઈ કારણોસર નદીમાં પટકાયા હતા
આણંદની કરુનેશ ફ્રેન્ડ્સ કોલોનીમાં રહેતા BAMS ડૉ. જૈનીશકુમાર પટેલ તબીબી પ્રેક્ટિસ કરતા હતા, તેમની પત્ની પણ ફિઝિયોથેરાપીસ્ટ ડોક્ટર છે. દંપતીના લગ્નને પાંચ વર્ષથી વધુ સમય થયો હતો અને તેમને 3 મહિનાનો પુત્ર છે. ગઈકાલે 18 મેના રોજ જૈનીશકુમાર ટ્રેન મારફતે આણંદથી વડોદરા આવી રહ્યા હતા. આ દરમિયાન ટ્રેન મહીસાગર નદી પરથી પસાર થઈ રહી હતી, ત્યારે ફાજલપુર નજીક અચાનક તેઓ નદીમાં પટકાયા હતા. નજીકમાં કામ કરતા શ્રમિકોએ આ દ્રશ્ય જોતા તરત પોલીસને જાણ કરી હતી. સ્થાનિકોની મદદથી તેમને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તેમનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં નંદેસરી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહનો કબજો લીધો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે પરિવારજનોને જાણ કરી વધુ તપાસ શરૂ કરી છે. ઘટનાને પગલે પરિવારજનો પણ સયાજી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. બનાવ અકસ્માતનો કે આત્મહત્યાનો?, પોલીસ તપાસ શરૂ
મૃતકના પિતાનું અવસાન થઈ ચૂક્યું છે, તેમની. મોટી બહેન લંડનમાં રહે છે. હાલ તેઓ પત્ની, માતા અને પત્ની સાથે આણંદ ખાતે રહેતા હતા. તેમના મૃત્યુથી 3 માસના બાળકે પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. હાલમાં ડોક્ટરે આત્મહત્યા કરી કે અકસ્માતે ટ્રેનમાંથી પડી ગયા તે મુદ્દે પોલીસે તમામ દિશામાં તપાસ હાથ ધરી છે. પોલીસે પરિવારજનો અને ઘટનાને નજરે જોનાર પ્રત્યક્ષદર્શીઓના નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરી છે.
Read Original Article →