મંડે મેગા સ્ટોરી:19 કિમીમાં પાંચેય CCTV બંધ,પોલીસને 11 હિટ એન્ડ રનના આરોપી જાણવાનાં હવાતિયાં
કપુરાઈ પોલીસ મથકની હદમાં આવતા સુંદરપુરા પાટિયાથી દરજીપુરા ચોકડી સુધીના 19 કિલોમીટર લાંબા હાઈવે પર વારંવાર અકસ્માત થાય છે, જેમાં ઘણા કિસ્સાઓમાં વાહન ચાલકો ફરાર થઈ જાય છે. આ સાથે રાત્રીના સમયે પણ અનેક અકસ્માત થતા હોય છે. જેમાં ચોંકાવનારી વિગત એ છે કે, આટલા લાંબા અને સંવેદનશીલ હાઈવે પર સુરક્ષા માટે 5 બ્રિજ પર માત્ર 5 સીસીટીવી કેમેરા લગાવ્યા છે, કમનસીબે આ આ પાંચેય કેમેરા હાલ બંધ હાલતમાં છે. ટેક્નોલોજીના યુગમાં સિસ્ટમની આ ગંભીર બેદરકારીથી છેલ્લા 8 મહિના દરમિયાન થયેલા 11 જેટલા જીવલેણ અકસ્માતના ગુના ઉકેલવામાં પોલીસને નિષ્ફળતા મળી છે. શહેરને અડીને પસાર થતા નેશનલ હાઈવે નં.48નો 19 કિમીનો પટ્ટો કપુરાઈ પોલીસ મથક હદ વિસ્તારમાં આવે છે. હાઈવે હોવાને કારણે વિસ્તારમાં સૌથી વધુ જીવલેણ અકસ્માતો નોંધાય છે. હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બને છે ત્યારે અકસ્માત સર્જનાર વાહનચાલકને પકડવા માટે સીસીટીવી ફૂટેજ મહત્ત્વનું પાસું હોય છે. 8 મહિનાથી કેમેરા બંધ હોવાથી પોલીસ વાહનનો નંબર કે આરોપી વિશે જાણકારી મેળવી શકતી નથી. કપુરાઈ પોલીસ દ્વારા આ અંગે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને અનેકવાર લેખિત જાણ કરી હોવા છતાં સ્થિતિ જૈસે થે છે. સીસીટીવી બંધ હોવાથી લૂંટની ઘટનામાં પણ આરોપીઓને ઓળખવા મુશ્કેલ બને છે
કપુરાઇ પોલીસ મથકની હદમાં હાઈવે પર આજવા બ્રિજ, કપુરાઈ બ્રિજ, તરસાલી બ્રિજ, વાઘોડિયા બ્રિજ અને જામ્બુવા બ્રિજ આવે છે. આ દરેક બ્રિજ પર એક-એક મુવિંગ સીસીટીવી લગાવવામાં આવ્યા છે. જ્યારે પોલીસે જણાવ્યું હતું કે, કેટલીક વખત બ્રિજ પર લૂંટની ઘટના પણ બને છે. જોકે સીસીટીવી બંધ હોવાને કારણે લૂંટના ગુના ઉકેલવામાં પણ તકલીફ પડે છે. સીસીટીવી કેમેરા પુનઃ કાર્યરત કરવાની પ્રક્રિયા કરાઈ રહી છે : એનએચએઆઇ
નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીએ જણાવ્યું હતું કે, હાલમાં હાઈવેનો કરાર ન્યૂ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિડેટ સાથે કરવામાં આવ્યો છે. જોકે આ કરાર માત્ર હાઈવે મેન્ટેન્સનો જ કરવામાં આવ્યો છે. જેમાં સીસીટીવીના સમારકામ વિશે કરાર કરવામાં આવ્યો નથી. સીસીટીવી કેમેરા શરૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, ટૂંક સમયમાં ચાલુ કરી દેવામાં આવશે. હોટલ-દુકાનના CCTV હાઇવે તરફ રાખવા સૂચન
હાલમાં હાઈવે બ્રિજના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે. જેથી હાઈવે પર આવેલી હોટલો-દુકાનોના સીસીટીવી કેમેરાનું મેપિંગ કરાયું છે. ઉપરાંત તેમને સૂચન કરાયું છે કે, બહારના કેમેરા હાઈવે તરફ રાખવા. તબક્કાવાર આ સીસીટીવીની ચકાસણી કરાય છે. > ડી.સી. રાઉલ, પીઆઈ, કપુરાઈ પોલીસ મથક
Read Original Article →