ભાજપના મેન્ડેટ પર સૌની નજર:નવનિયુક્ત કાઉન્સિલરોની પ્રથમ સભા 28મીએ,મેયર, ડે.મેયર અને સ્થાયી સભ્યોની વરણીનો એજન્ડા જાહેર

Gujarat5/23/2026, 12:18:46 AM
પાલિકાના સભાગૃહમાં સત્તાવાર રીતે મ્યુનિ. કમિશનર મેયર અને ડે. મેયર માટે ચૂંટણી કરશે પાલિકાની સામાન્ય ચૂંટણી સંપન્ન થયા બાદ હવે પાલિકાના નવા શાસકોની વરણી માટેની સત્તાવાર પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મ્યુ. કમિશનર અરુણ મહેશ બાબુએ આગામી પ્રથમ સામાન્ય સભાનો સત્તાવાર એજન્ડા પ્રસિદ્ધ કર્યો છે. આ જાહેરનામા અનુસાર આગામી ગુરુવાર ને 28 મેએ સવારે 11 કલાકે પાલિકાના સભાગૃહ ખાતે નવનિયુક્ત સભાસદોની પ્રથમ સામાન્ય સભા મળશે. સામાન્ય રીતે ભાજપ બહુમતીમાં હોવાથી પ્રદેશ નેતાગીરી દ્વારા મોકલવામાં આવેલા બંધ પરબીડિયાના ‘મેન્ડેટ’ મુજબ જ મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન સહિતના સભ્યોનાં નામો નક્કી હોય છે. પ્રથમ અઢી વર્ષ માટે નિમણૂક કરાશે, ભાજપના મેન્ડેટ પર સૌની નજર, વિપક્ષ કોંગ્રેસ પણ હાજર રહેશે સભાગૃહમાં સત્તાવાર રીતે મ્યુ. કમિશનર મેયર અને ડે. મેયર માટે ચૂંટણી કરશે. સભાના એજન્ડામાં મુખ્યત્વે પાલિકાનાં સર્વોચ્ચ પદોની વરણીનો સમાવેશ થાય છે. જેમાં જીપીએમસી એક્ટની કલમ 19(1) મુજબ પ્રથમ અઢી વર્ષની મુદત માટે પાલિકાના મેયર તેમજ કલમ 19(1)(કક) મુજબ ડેપ્યુટી મેયરની ચૂંટણી કરવામાં આવશે. આ ઉપરાંત કલમ 20(2) અંતર્ગત પાલિકાની તિજોરીની ચાવી ગણાતી સ્થાયી સમિતિના 12 સભ્યોની નિયુક્તિ પણ પ્રથમ અઢી વર્ષના કાર્યકાળ માટે કરવામાં આવશે. મેયર-ડે. મેયરની ચૂંટણી કેવી રીતે થશે? 28 તારીખે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં સભા મળશે. તેઓ મેયરની ચૂંટણી કરાવશે. મ્યુનિસિપલ કમિશનરે નિમેલા ચૂંટણી અધિકારી મેયર પદના ઉમેદવારોને ફોર્મ ભરાવશે. જો મેયરના પદ માટે એક ઉમેદવાર હશે તો તેની સભામાં જાહેરાત કરાશે. જો મેયર પદ માટે એક કરતાં વધારે ઉમેદવાર હશે તો મતદાન થશે. મેયરની જાહેરાત થયા બાદ તેઓ ડેપ્યુટી મેયરના પદ માટે આ જ પ્રકારે ચૂંટણી કરાવશે. ડેપ્યુટી મેયરની વરણી બાદ મેયર સભામાં સ્થાયી સભ્યોનાં નામની જાહેરાત કરશે. સભા પૂર્ણ થયા બાદ સ્થાયી સમિતિ રૂમમાં સભ્યોની બેઠક મળશે અને ત્યાં અધ્યક્ષની વરણી કરાશે.
Read Original Article →