સિટી એન્કર:પ્રદૂષિત હવાથી શ્વસન, પેટ, કિડનીના રોગો વધ્યા, શિયાળામાં થતી ખાંસી અને શરદીના કેસ 40 ડિગ્રી ગરમીમાં પણ યથાવત્
વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી વચ્ચે શહેરીજનોનું આરોગ્ય બગડી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને હવાની ગુણવત્તા સતત બગડી રહી છે. હવામાં ભળતું આ ઝેર માત્ર ફેફસાં સુધી સીમિત રહ્યું નથી, પરંતુ તે પેટ-કિડની જેવા અંગોને પણ અસર કરે છે. શહેરમાં વધતાં વાહનો અને ઠેર ઠેર થતાં બાંધકામોથી ઊડતી ધૂળ અને ધુમાડાથી હવાની ગુણવત્તા બગડી છે. આ અંગે પલ્મોનોલોજિસ્ટ ડૉ. અમિત દવેએ જણાવ્યું હતું કે, અગાઉનાં વર્ષોમાં એવું જોવા મળતું હતું કે, શિયાળામાં થતી શરદી અને ખાંસી માર્ચ મહિના સુધીમાં પૂરી થઈ જતી હતી. જોકે આજના સમયમાં શરદી, ખાંસી અને ગળાના સંક્રમણના કેસ 40 ડિગ્રી તાપમાનમાં પણ યથાવત્ જોવા મળી રહ્યા છે. હવાના પ્રદૂષણને કારણે ભરઉનાળામાં પણ શરદી અને ખાંસીના દર્દીઓ આવી રહ્યા છે, જે ચિંતાજનક સ્થિતિ છે. હવામાં રહેલા સૂક્ષ્મ કણો રોગ પ્રતિકારક શક્તિ ઘટાડી રહ્યા છે, જે લાંબાગાળે ગંભીર બીમારીઓ નોંતરે છે. ડૉ.દવેએ વધુમાં ઉમેર્યું હતું કે, બગડી રહેલી હવાની ગુણવત્તાથી ફેફસાંના રોગ વધી રહ્યા છે, સાથે પેટ અને કિડનીની સમસ્યાઓ પણ જોવા મળી રહી છે. બગડી રહેલી હવાની ગુણવત્તા માનવ શરીરની 3 મુખ્ય સિસ્ટમ જેવી કે શ્વસન તંત્ર, પાચન તંત્ર અને કિડની પ્રણાલીને નુકસાન પહોંચાડી રહી છે. જોકે આ કેટલું નુકસાન પહોંચાડી રહ્યું છે તે લાંબાગાળે ખબર પડશે. જેન-ઝીમાં શ્વસન તંત્રને લગતા રોગોનું પ્રમાણ વધ્યું
જેન-ઝીમાં શ્વસન સંબંધી સમસ્યા અને એલર્જીના રોગો વધુ જોવા મળે છે. વ્યક્તિનું શ્વસન તંત્ર 18 વર્ષ સુધી વિકસિત થાય છે. કેટલાંક વર્ષોથી હવાની ગુણવત્તા બગડી રહી છે. જેથી શ્વસન તંત્ર પર અસર થઈ રહી છે. પરિણામે એલર્જીના રોગો વધ્યા છે. ઓપીડીમાં આવતા દર 5માંથી 2 યુવાન શ્વાસની તકલીફ કે ફેફસાંની નબળાઈની ફરિયાદ સાથે આવે છે. વહેલી સવારે ખુલ્લામાં કસરત કરવી હિતાવહ નથી
સામાન્ય રીતે લોકો માને છે કે, વહેલી સવારે ખુલ્લામાં કસરત-યોગ કરવા સ્વાસ્થ્ય માટે હિતાવહ છે, પણ તેવું નથી. મોડી રાત સુધી બાંધકામ ચાલતું હોય છે, વાહનો દોડતાં હોય છે. જેને કારણે હવામાં પ્રદૂષણ ફેલાતું રહે છે.વહેલી સવારે પ્રદૂષિત કણો જમીનની સપાટીની નજીક હોય છે. કસરત દરમિયાન આપણે સામાન્ય કરતાં વધુ ઝડપથી શ્વાસ લઈએ છીએ, જેનાથી ઝેરી હવા સીધી ફેફસાંમાં ઊંડે સુધી ઊતરે છે.
Read Original Article →