વડોદરાના અરુશનો પાણીમાં નેશનલ રેકોર્ડ:અમદાવાદમાં રમાયેલી રાષ્ટ્રીય સ્વિમિંગ સ્પર્ધામાં ગુજરાતના તરવૈયાએ કુલ 5 મેડલ જીત્યા
કહેવાય છે કે ‘અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’. આ વાક્યને વડોદરાના યુવા તરવૈયા અરુશ લાંજેવારે અમદાવાદના આંગણે સાચું સાબિત કર્યું છે. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ સ્વિમિંગ પૂલ ખાતે 20 થી 23 માર્ચ 2026 દરમિયાન યોજાયેલી 27મી નેશનલ ડેફ સિનિયર સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં અરુશે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા મેડલ્સની વણઝાર લગાવી દીધી છે. મેડલ્સની હેટ્રિક અને નવો નેશનલ રેકોર્ડ
આ સ્પર્ધામાં અરુશે પોતાની કુશળતાથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેણે કુલ 5 મેડલ્સ જીત્યા છે, જેમાં 100 મીટર બટરફ્લાય ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવી નવો નેશનલ રેકોર્ડ સ્થાપ્યો છે. આ ઉપરાંત, તેણે 50 મીટર ફ્રીસ્ટાઇલ, 50 મીટર બટરફ્લાય અને 100 મીટર ફ્રીસ્ટાઇલમાં સિલ્વર મેડલ્સ, જ્યારે 200 મીટર ઇન્ડિવિજ્યુઅલ મેડલીમાં બ્રોન્ઝ મેડલ જીતીને પોતાની સર્વાંગી પ્રતિભાનો પરિચય આપ્યો છે. સફળતા પાછળની મહેનત અને માર્ગદર્શન
વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પ્રેક્ટિસ કરતા અરુશની આ સફળતા પાછળ તેના કોચ વિવેક સિંહ બોરલિયા, કૃષ્ણ પંડ્યા તેમજ ટ્રેનર્સ સુબોધ કુમાર અને બિપિન કુમારનું મહત્વનું માર્ગદર્શન રહ્યું છે. ઓલ ઇન્ડિયા સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધ ડેફ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં દેશભરના ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ અવસરે ડીએસડીઓ વડોદરા વિસ્મય વ્યાસે અરુશ અને તેના પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. અરુશની આ સફર સાબિત કરે છે કે જો સંકલ્પ મજબૂત હોય, તો શારીરિક મર્યાદાઓ ક્યારેય આડે આવતી નથી.
Read Original Article →