ચાંદીના વેપારી સાથે 17.33 લાખની છેતરપિંડી:સંબંધીએ ઓળખાણ કરાવ્યા બાદ અમદાવાદનો શખ્સ ચાંદી લઈ ગયો ને વેપારીને ચૂનો ચોપડી ભાગી ગયો
વડોદરા શહેરના હરણી રોડ વિસ્તારમાં રહેતા અને અલકાપુરીમાં ચાંદીનો ધંધો કરતા વેપારી સાથે 17.33 લાખ રૂપિયાના ચાંદીના દાગીના લઇને અમદાવાદનો ઠગ ફરાર થઈ ગયો હતો. જે રૂપિયા પરત નહીં આપતા વેપારીએ અમદાવાદના શખ્સ સામે અકોટા પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. 12.12 લાખના 23 ચાંદીના સેટ વાઉચર ઉપર લઈ ગયા
વડોદરા શહેરનાં હરણી રોડ વિસ્તારમાં આવેલી ઇન્દ્રપુરી સોસાયટીમાં રહેતા અને અલકાપુરી વિસ્તારમાં અલંકાર આર્ટ સેન્ટર ખાતે ચાંદીના દાગીના વેચાણનો વ્યવસાય કરતા કલ્પેશ બિપિનચંદ્ર ઝીંઝુવાડીયાએ અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદ પ્રમાણે તેમના સંબંધીએ અમદાવાદના દર્શન સુરેશ વોરા નામના વ્યક્તિએ ઓળખાણ કરાવી હતી. ત્યારે દર્શન વોરા પ્રથમ વખત રૂ. 12.12 લાખના 23 ચાંદીના સેટ વાઉચર ઉપર લઈ ગયા હતા. અલગ-અલગ અંદાજે 17.83 લાખ રૂપિયાની ચાંદી લઈ ગયા
ત્યારબાદ આ દર્શન વોરા વધુ ચાંદીની માંગણી કરતા અલગ-અલગ અંદાજે 17.83 લાખ રૂપિયાની ચાંદી લઈ ગયા હતા. જેમાંથી માત્ર રૂ. 50 હજાર રૂપિયા પરત આપ્યા હતા અને બાકીની રકમ માટે બે ચેક આપ્યા હતા. પરંતુ બાદમાં રૂપિયા નહીં ચૂકવી સતત બહાના બતાવતો હતો. ત્યારબાદ રૂપિયા માટે ફોન કરતાં તેણે ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. અનેક પ્રયત્નો છતાં આ શખ્સ પૈસા પરત આપતો નહોતો. વેપારીને ચાંદીના બદલામાં રૂપિયા નહીં ચૂકવીને છેતરપીંડી આચરી હતી.જેથી વેપારીની ફરિયાદના આધારે અકોટા પોલીસે રૂ.17.33 લાખની ઠગાઈ કરનાર અમદાવાદના શખ્સને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →