અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું‎:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરકારી ગેસ્ટ હાઉસમાં રહેવા-રાજકીય મેસેજ પર પ્રતિબંધ

Gujarat4/9/2026, 12:38:57 AM
રાજ્ય ચૂંટણી આયોગે વડોદરા પાલિકા, જિલ્લાની 4 નગરપાલિકા, 8 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરતાં આચારસંહિતા અમલી બની છે. ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને ન્યાયી રીતે યોજાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એસ.પટેલે જાહેરનામા બહાર પાડ્યાં છે. જે અંતર્ગત કોઈ રાજકીય પક્ષ ચૂંટણી પ્રચારમાં સરકારી રહેણાંકનો ઉપયોગ નહીં કરી શકે. 26 એપ્રિલે મતદાનમાં વડોદરા પોલીસ કમિશનરની હદ સિવાય જિલ્લાના ચૂંટણી વિસ્તારોમાં કોઈપણ મતદાન મથકથી 200 મીટરની હદમાં કોઈ પણ રાજકીય પક્ષ, ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ, કાર્યકરો કે સમર્થકો દ્વારા મતદારોને મતદાર યાદીનો ક્રમ નંબર કાઢી આપવા કે કાપલી લખી આપવા માટે કેમ્પ ઊભા કરી શકાશે નહીં કે તેવી કોઈ કોશિશ પણ કરી શકાશે નહીં. મતગણતરી કેન્દ્ર પર 100 મીટરની ત્રિજ્યામાં કલમ-163 લાગુ કરાશે 28 એપ્રિલના રોજ મતગણતરીના દિવસે કેન્દ્રની આસપાસના 100 મીટર વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ રહેશે. મોબાઈલ ફોન, વાયરલેસ સેટ કે અન્ય ઉપકરણો પ્રતિબંધિત વિસ્તારમાં લઈ જઈ શકાશે નહીં. સત્તાવાર પાસ વગર કોઈને પણ પ્રવેશ મળશે નહીં. ચૂંટણી પ્રચાર દરમિયાન ગેસ્ટ હાઉસ અને સરકારી રહેઠાણો પર નિયંત્રણ ચૂંટણી પ્રચાર દરમિયાન કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવાર સરકારી વિશ્રામગૃહ કે સરકારી રહેણાંકનો ઉપયોગ પ્રચાર કચેરી તરીકે કરી શકશે નહીં. કોઈ પણ વ્યક્તિને 48 કલાકથી વધુ સમય માટે રૂમ ફાળવી શકાશે નહીં. મતદાનના 48 કલાક અગાઉ આ સુવિધાનો ઉપયોગ કરી શકાશે નહીં. વીવીઆઈપી સાથે બે જ વાહનને કમ્પાઉન્ડમાં પ્રવેશ મળશે. કોઈપણ પક્ષ-ઉમેદવારો આવા રહેણાંક (તેની સાથે જોડાયેલ આંગણુ-વરંડા સહિત)નો ઉપયોગ પ્રચાર કચેરી કે અન્ય ચૂંટણી વિષયક હેતુ માટે કરી શકશે નહી. સરકારી વિશ્રામગૃહમાં રાજકીય પક્ષોના સભ્યોની પ્રાસંગીક મીટિંગ પણ યોજી શકાશે નહીં. રાજકીય SMS પર 48 કલાકનો પ્રતિબંધ, મતદાન જાગૃતિના મેસેજ કરાશે મતદાનના 48 કલાક અગાઉ એટલે કે તા. 24 એપ્રિલની સાંજે 06:00 કલાકથી મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી કોઈપણ રાજકીય પક્ષ, ઉમેદવાર કે એજન્ટ દ્વારા રાજકીય એસએમએસ મોકલવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. માત્ર ચૂંટણી પંચના સ્વિપ કાર્યક્રમ હેઠળ મતદારોને જાગૃત કરવાના મેસેજને જ મુક્તિ આપવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદા અને આચારસંહિતાનો ભંગ કરતા શોર્ટ મેસેજ (એસ. એમ. એસ.) પ્રસારિત થતા અટકાવવા વડોદરાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી. એસ. પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163 હેઠળ પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પડાયું છે.
Read Original Article →