તપાસમાં ખુલાસો:આરોપીનું હથિયારનું લાયસન્સ બોગસ નીકળતા આર્મ્સ એક્ટનો ગુનો નોંધાયો
દુમાડ ચોકડી પાસે આવેલી હોટલમાં જિલ્લા અને શહેર ક્રાઈમ બ્રાંચે ભેગા મળીને 21 જાન્યુઆરીના રોજ રેડ કરી બે ઈસમોને બે પિસ્તોલ અને 12 બોરના હથિયાર સાથે ઝડપી લેવાયા હતાં. જેમાં એક આરોપી સામે જાન્યુઆરી મહિનામાં જ હથિયારનું લાયસન્સ ન હોવાથી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. જ્યારે બીજા આરોપીના હથિયારના લાયસન્સની ખરાઈ કર્યા બાદ આખરે તેનું લાયસન્સ પણ બોગસ નિકળતાં આખરે મંજુસર પોલીસ સ્ટેશનમાં તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. વડોદરા જિલ્લા ક્રાઈમ બ્રાંચના એ.એસ.આઈ બળદેવસિંહ અદેસિંહની ફરિયાદ અનુસાર, તેમને બાતમી મળી હતી કે, 3 ઈસમો શંકાસ્પદ લાઈસન્સવાળા હથિયાર સાથે દુમાડ ચોકડી નજીક આવેલી હોટલ રોયલ પેલેસના ચોથા માળે રૂમ નંબર 412માં રોકાયેલા છે. આ બાતમીના આધારે જિલ્લા એલસીબી અને વડોદરા શહેર ક્રાઈમ બ્રાંચની ટીમે હોટલમાં દરોડો પાડ્યો હતો. હોટલની રૂમ નંબર 412માં 3 ઈસમો અમિત શ્રીકાન્તકુમાર હીન્નરીયા, રવિ બિરેન શર્મા અને સોમ મંગલપ્રસાદ ચોરસીયા (તમામ રહે-લહાર,ભીંડ, મધ્યપ્રદેશ) મળી આવ્યાં હતાં. પોલીસે તમામની પુછપરછ કરી તપાસ કરતા ત્રણેય પાસેથી બે પિસ્તોલ અને એક 12 બોરનું હથિયાર મળી આવ્યું હતું. ત્રણેયે હથિયારોનું લાઈસન્સ બતાવ્યું હતું.જોકે પોલીસને આ લાઈસન્સ શંકાસ્પદ જણાવ્યું હતું. પોલીસે ત્રણેયને પોલીસ મથક લાવીને પૂછપરછ કરતા અમિત હિન્નરીયા તેમજ રવિ બિરેન શર્માએ મધ્યપ્રદેશના ભીંડ કલેક્ટર કચેરી ખાતેથી હથિયારનું લાયસન્સ મેળવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે અમિત હાલમાં સિક્યુરિટીની નોકરી માટે વડોદરા ખાતે આવ્યો હોવાનું તેણે પોલીસની પુછપરછ દરમિયાન જણાવ્યું હતું. જ્યારે સોમ મંગલપ્રસાદ ચોરસીયા અમિતનો મિત્ર થતો હોવાથી તેની ગાડીના ડ્રાઈવર તરીકે વડોદરા ખાતે આવ્યો હોવાનું જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, લાયસન્સ જ બોગસ નિકળતાં મંજૂસર ખાતે પોલીસે આર્મ્સ એક્ટ હેઠળનો ગુનો રવિ શર્મા વિરુદ્ધ નોંધ્યો હતો. લાયસન્સ ભીંડ ખાતેની કલેક્ટર કચેરીમાં તપાસ માટે મોકલતા નકલીનો ભાંડો ફૂટ્યો
જિલ્લા પોલીસે અમિત હિન્નરીયા અને રવિ શર્માના હથિયાર લાયસન્સની ખરાઈ કરવા માટે મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના કલેક્ટરને મોકલી આપ્યાં હતાં. જ્યારે તપાસ દરમિયાન રવિ શર્માનું હથિયારનું લાયસન્સ પોર્ટલ પર બતાવતું હતું. બીજી તરફ અમિત હિન્નરીયાના હથિયારનું લાઈસન્સનું રજીસ્ટ્રેશન જોવા મળ્યું ન હતું. જેથી અમિત હિન્નરીયા સામે હિન્નરીયા સામે જાન્યુઆરી મહિનામાં મંજુસર પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. જ્યારે રવિ શર્માના લાયસન્સ અંગે વધુ ખરાઈ કરતા તે બોગસ હોવાનું જાણવા મળતા આખરે તેની સામે પણ મંજુસર પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.
Read Original Article →