અફરાતફરી ફેલાઈ:દેણામાં સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી,6 કલાકે કાબૂમાં આવી
શહેર નજીક આવેલા દેણા ગામ પાસે એક મોટા સ્ક્રેપના ગોડાઉનમાં વધુ એક વખત ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી ફેલાઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે 6 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. ફાયરબ્રિગેડની ટીમે નજીકમાં આવેલા મકાનને આગની લપેટમાં આવતા અટકાવ્યું હતું. દેણા ગામમાં અગાઉની જેમ સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. જોતજોતામાં આગ એટલી વિકરાળ બની હતી કે ધુમાડાના ગોટેગોટા 3થી 4 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાતા હતા. ગોડાઉનમાં ડ્રમ, વાહનોનો સામાન સહિતની ચીજવસ્તુઓ રાખવામાં આવી હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી. ઘટનાના પગલે ફેરબ્રિગેડની ટીમે 6 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. ઘટના અંગે ફાયર બ્રિગેડના સૈનિક પરવેઝ મન્સૂરીએ જણાવ્યું હતું કે, જ્યારે અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ગોડાઉનમાં ડ્રમ ફલેમ સાથે સળગી રહ્યા હતા, જેના કારણે સ્થાનિકોમાં ભારે ગભરાટનો માહોલ સર્જાયો હતો. જોકે, ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને ગોડાઉનને અડીને આવેલા એક માળના મકાનને આગની ઝપેટમાં આવતા બચાવ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવતા આશરે 6 કલાક જેટલો સમય લાગ્યો હતો. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમે પણ ઘટનાસ્થળે દોડી આવીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
Read Original Article →