ઓનલાઇન ફ્રોડ:એચઆરમાંથી છું કહી ઠગે બીઓબીના નિવૃત્ત મેનેજરના ₹18.95 લાખ ઠગ્યા
વાઘોડીયા રોડ પર રહેતા અને બીઓબીમાંથી નિવૃત્ત મેનેજર 72 વર્ષીય ભુપેશચંદ્ર દવે સાથે ઓનલાઇન ફ્રોડની ઘટના બની છે. 17 જાન્યુઆરીએ ઠગોએ ફરિયાદીને વોટ્સએપ કોલ કરી પોતે બીઓબી હેડ ઓફિસ, અલ્કાપુરીના એચઆર ડિપાર્ટમેન્ટમાંથી બોલતા હોવાનું કહી જણાવ્યું કે, બેંકે રિટાયર્ડ કર્મચારીઓ માટે નવા પેન્શન કાર્ડ બહાર પાડ્યા છે, જેમાં મેડિક્લેમ અને ફ્યુઅલમાં 20 ટકા ડિસ્કાઉન્ટ મળશે. વિશ્વાસમાં લેવા ઠગોએ વોટ્સએપ પર ‘BOB HRMS VERIFICATIO.apk’ ફાઇલ મોકલી હતી. મેનેજરે ફાઇલ ઓપન કરી કે તરત જ તેમનો ફોન હેક થઈ ગયો હતો. ઠગે દોઢ કલાક સુધી વીડિયો કોલ ચાલુ રખાવી વિગતો ફોર્મમાં ભરાવી હતી. દરમિયાન ફરિયાદીનો ફોન અન્ય નંબર પર ફોરવર્ડ કરી OTP મેળવી લેવાયા હતા. તેમની 11 FD પર લોન લઈને નાણાં ઉપાડી લીધા હતા. કોલ કટ થયા બાદ જ્યારે ફરિયાદીએ સ્ટેટમેન્ટ ચેક કર્યું ત્યારે જાણવા મળ્યું કે તેમના અને તેમની પત્નીના 4 ખાતામાંથી 11 એફડી પર લોન લઇ ₹18.95 લાખ 10 ટ્રાન્ઝેક્શન કરી ઉપાડી લેવાયા છે. સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Read Original Article →