ઇંધણ સંકટ:નિઝામપુરાના 2 સહિત 5 પેટ્રોલપંપ બંધ રહ્યાં,બપોર બાદ પુરવઠો પહોંચતાં ખુલ્યાં

Gujarat5/14/2026, 1:52:31 AM
ઇંધણ સંકટ:નિઝામપુરાના 2 સહિત 5 પેટ્રોલપંપ બંધ રહ્યાં,બપોર બાદ પુરવઠો પહોંચતાં ખુલ્યાં
પશ્ચિમી એશિયામાં યુધ્ધની સ્થિતીને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેટ્રોલ-ડિઝલનો ઉપયોગ ઘટાડવા હાકલ કરી છે. હાલ વડોદરામાં 163 પેટ્રોલપંપો પર દૈનિક 10 લાખ લીટર પેટ્રોલ-ડિઝલ વેચાઇ રહ્યું છે. યુધ્ધના કારણે રિફાઈનરીઓ ખોટમાં જઈ રહી છે, ત્યારે નિઝામપુરાના 2 સહિત 5 પેટ્રોલપંપ પર જથ્થો ખુટી પડતા બુધવારના રોજ બપોર સુધી પેટ્રોલપંપ બંધ રહ્યાં હતાં. જોકે બપોર બાદ પુરવઠો આવી જતા પેટ્રોલપંપ ખુલ્યાં હતાં. હરણી-વારસીયા રિંગ રોડ પર આવેલો નાયરાનો પેટ્રોલપંપ મોડી રાત સુધી બંધ જોવા મળ્યો હતો. ડિઝલમાં ઓઈલ કંપનીઓને ભારે નુકશાન થઈ રહ્યું છે, બલ્કમાં ડિઝલનો ભાવ રૂા.156 પ્રતિ લિટર છે. જે ઈન્ડસ્ટ્રીયલ કંપનીઓ ખરીદતી હોય છે. યુધ્ધ પહેલા બલ્ક ડિઝલનો ભાવ રૂા.86 હતો. વડોદરા જિલ્લા ઉપરાંતના કેટલાક જિલ્લામાં અમુક કંપનીઓ રીટેઈલમાં જઈ બલ્ક ડિઝલ ખરીદી કરી રહી હોવાનું સરકારના ધ્યાને આવતા જે તે જિલ્લામાં ડિઝલ પર કાપ પણ મુકવામાં આવ્યો છે. જ્યારે ઓઈલ એજન્સીઓ દ્વારા સુચના પણ આપવામાં આવી છે કે, જો કોઈ પણ પેટ્રોલપંપ દ્વારા માન્ય એજન્સીઓ સિવાય બલ્ક ડિઝલ આપવામાં આવશે તો નોટીસ આપી કાર્યવાહી કરવામાં આવશે. બપોર બાદ પેટ્રોલપંપો ઉપર સ્થિતિ સામાન્ય થઇ છે વડોદરામાં પરિસ્થિતી સામાન્ય છે, ઓઈલ કંપનીઓમાંથી પુરવઠો મોડો આવતા બુધવારે સવારે નિઝામપુરાના બે પેટ્રોલપંપ અને વડોદરા-સુરત હાઈવે પરના પેટ્રોલપંપો પર પુરવઠો ખુટી પડ્યો હતો. જોકે બપોરે પુરવઠો આવી જતા પેટ્રોલપંપો ફરીથી શરૂ થઈ ગયા હતાં. > મેહુલ પટેલ, પ્રમુખ, વડોદરા પેટ્રોલપંપ એસોસિયેશન
Read Original Article →