બુટલેગરો ઉપર તવાઈ:નંદેસરીના દારૂના કેસમાં બૂટલેગર મનોજ સહિત 5 જેલ ભેગા કરાયા
નંદેસરી જીઆઈડીસી વિસ્તારમાંથી એસએમસીએ પકડેલા રૂ.43.46 લાખના દારૂના કેસમાં બૂટલેગર મનોજ ઉર્ફે પાપડ સહિત 5 લોકોને જેલના હવાલે કરાયા હતા. બીજી બાજુ બૂટલેગર લાલુ સિંધી, સુનિલ અદાને હજી પોલીસ પકડી શકી નથી. નંદેસરી જીઆઈડીસીમાં એસએમસીએ 29 માર્ચે રધીયાપુરા પાસેની ખુલ્લી જગ્યામાં દરોડો પાડી રૂ.43.46 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડ્યો હતો. ત્યારે પોલીસે વાહનો, મોબાઈલ સાથે રૂ.1.40 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સ્થળ પરથી છ જણા પકડાયા હતા, જે પૈકી બૂટલેગર મનોજ ઉર્ફે પાપડ શંકરભાઈ નરસિંગાણી, સુનિલ મોતીલાલ ટેલર, ધર્મેન્દ્ર ઉર્ફે લાલો સંપતસિંહ ચૌહાણ, જીતેન્દ્ર ઉર્ફે જીતુ સંપતસિંહ ચૌહાણ, વિક્રમસિંગ દિવાનસિંગ તથા કિર્તીકુમાર નાનાલાલ મીણાને પકડી પાડ્યા હતા. ત્યારે તેમાંથી સુનિલ ટેલરને બાદ કરતા અન્ય પાંચ જણા 7 દિવસના પોલીસ રિમાન્ડ પર હતા. એસએમસીએ તપાસ પોતાની પાસે જ રાખી હતી, જે તપાસમાં પોલીસે તમામ આરોપીના ફોન ડિટેઇલ, બેંક એકાઉન્ડ સહિતની તપાસ શરૂ કરી હતી. સોમવારે પાંચ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા તેમને કોર્ટમાં રજૂ કરી જેલ ભેગા કરી દેવાયા હતા. બીજી બાજુ બૂટલેગરો લાલચંદ ઉર્ફે લાલુ સિંધિ ખાનાણી, સુનિલ ઉર્ફે અદો કેવલરામાણી સહિત આરોપીઓ હજી પકડાયા નથી. આરોપીઓ પાસેથી 11 ફોન કબ્જે કરાયા હતા. ત્યારે તમામ ફોનને એફએસએલમાં મોકલી તપાસ કરાઈ આવી રહી છે.
Read Original Article →