₹477 કરોડનો એમડી ડ્રગ્સ કેસ:સિંધરોટના ~477 કરોડના એમડી ડ્રગ્સ કેસમાં કેમિસ્ટની જામીન અરજી નામંજૂર

Gujarat5/16/2026, 12:00:00 AM
સિંધરોટ ગામની સીમમાં ઝડપાયેલા ₹477 કરોડના મેફેડ્રોન ડ્રગ્સ કેસમાં સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. આ કેસમાં સંડોવાયેલા આરોપી કેમિસ્ટ શૈલેષભાઈ ગોવિંદભાઈ કટારીયા દ્વારા મૂકવામાં આવેલી રેગ્યુલર જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે. એ.ટી.એસ.માં વર્ષ 2022માં નોંધાયેલા ગુના મુજબ, આરોપીઓએ એકબીજાની મદદગારીથી સિંધરોટ ગામની સીમમાં આવેલી એક ફેક્ટરીમાં ગેરકાયદેસર અને યુવા ધનને બરબાદ કરતું માદક મેફેડ્રોનનું ઉત્પાદન અને સંગ્રહ કર્યો હતો. પોલીસ દરોડા દરમિયાન કુલ 63 કિલો 613 ગ્રામ તૈયાર મેફેડ્રોન અને 80 કિલોથી વધુ લિક્વિડ ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કુલ કિંમત 4,77 કરોડ થાય છે. તપાસ દરમિયાન આરોપી શૈલેષ કટારીયાના ગોરવા સ્થિત ભાગ્યલક્ષ્મી સોસાયટીના મકાનમાંથી પણ 121 કરોડની કિંમતનું 24 કિલો 276 ગ્રામ મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું હતું. જામીન અરજીનો સરકારી વકીલ અનિલ દેસાઈએ ઉગ્ર વિરોધ કરતા જણાવ્યું હતું કે, આરોપી પોતે સહ-આરોપીઓ સાથે મળી ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. એડિશનલ સેશન્સ જજ પ્રશાંત નરેન્દ્રકુમાર રાવલે અવલોકન કર્યું હતું કે, આરોપીના કબજા ભોગવટાવાળા મકાનમાંથી જ અબજોની કિંમતનો મુદ્દામાલ મળી આવ્યો છે. કેસમાં મજબૂત પુરાવા જણાતા અદાલતે તેની જામીન અરજી નામંજૂર કરી છે. સિંધરોટની સીમમાં અબજોનું ડ્રગ બન્યું, ગોરવામાં મૂકવામાં આવતું હતું ને સ્થાનિક પોલીસ ઊંઘતી રહી સિંધરોટની સીમમાં પતરાના શેડમાં લેબોરેટરી ધમધમતી હતી. આરોપી શૈલેષ કટારીયા કેમિકલ પ્રોસેસમાં માહેર હતો. કાચો માલ લાવીને અબજોનું મેફેડ્રોન ડ્રગ્સ (MD) બનતું હતું. ડ્રગ્સ બનાવતાં તીવ્ર રાસાયણિક દુર્ગંધ આસપાસના લોકોને ન આવે તે માટે એક્ઝોસ્ટ અને કેમિકલ માસ્કનો ઉપયોગ થતો હતો. અબજોનું ડ્રગ્સ બનતું હોવા છતાં પોલીસને ગંધ ન આવી. ચોંકાવનારી વાત એ છે કે, આરોપીએ ફેક્ટરીમાં જ નહીં ગોરવાના પોતાના ઘરમાં પણ 121 કરોડનું ડ્રગ્સ છુપાવી રાખ્યું હતું.
Read Original Article →