વિશ્વ બ્રેઈન ટ્યૂમર ડે:સયાજી હૉસ્પિટલમાં 5 વર્ષમાં 330 બ્રેઈન ટ્યૂમરની સફળ સર્જરી કરાઈ
જર્મન બ્રેઈન ટ્યુમર એસોસિએશન દ્વારા દર વર્ષે 8 જૂનના રોજ ‘વિશ્વ બ્રેઈન ટ્યુમર ડે’ની ઉજવણી કરવામાં આવે છે. વડોદરામાં પણ લોકોમાં આ રોગ પ્રત્યે જાગૃતિ આવે તે માટે વિવિધ સામાજિક સંસ્થાઓ અને હોસ્પિટલો દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવશે. સયાજી હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગમાં છેલ્લા 5 વર્ષમાં માત્ર બ્રેઈન ટ્યુમરની જ 330 સર્જરી કરવામાં આવી છે, જેમાં તમામ દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા હતા. આ અંગે સયાજી હોસ્પિટલના ન્યુરોસર્જન ડૉ. અંકિત શાહે જણાવ્યું હતું કે, “હાલમાં પણ સામાન્ય લોકોમાં એવો ભય હોય છે કે બ્રેઈન ટ્યુમર એટલે કેન્સર, પરંતુ એવું નથી. બ્રેઈન ટ્યુમરના ઘણા પ્રકાર હોય છે. શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં હવે અત્યાધુનિક ટેકનોલોજી જેવી કે ન્યુરો-નેવિગેશન સિસ્ટમ અને રોબોટિક સર્જરી ઉપલબ્ધ છે. આ ટેકનોલોજીની મદદથી ન્યુરોસર્જનો મગજના સંવેદનશીલ ભાગોને નુકસાન પહોંચાડ્યા વિના ટ્યુમર બહાર કાઢી રહ્યા છે. તેમજ હવે દર્દીઓ ઓપરેશનના ગણતરીના દિવસોમાં જ સામાન્ય જીવન જીવતા થઈ જાય છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જૂના જમાનામાં એવી માનતાઓ હતી કે બ્રેઈન ટ્યુમર થાય એટલે લકવો થઈ જાય કે મોત નીપજે, પરંતુ વાસ્તવિકતા અલગ છે. બ્રેઈન ટ્યુમરના કુલ દર્દીઓમાંથી 60 ટકા કેસ નોન-કેન્સર હોય છે. જો સમયસર સારવાર કરવામાં આવે તો ઉત્તમ પરિણામો મળી શકે છે. બ્રેઈન ટ્યુમર થવા પાછળ કોઈ ચોક્કસ કારણ જોવા મળ્યું નથી, આ રોગ વારસાગત પણ નથી. આથી બ્રેઈન ટ્યુમર કોઈપણ વ્યક્તિને થઈ શકે છે, જેનાથી ડરવાને બદલે જાગૃત રહેવું જરૂરી છે. 6 મહિનાના શીશુથી લઈને 75 વર્ષીય વૃદ્ધની બ્રેઈન ટ્યૂમરની સર્જરી સયાજી હૉસ્પિટલમાં કરાય છે
સયાજી હૉસ્પિટલમાં આસપાસના રાજ્યના લોકો પણ સારવાર માટે આવતા હોય છે. હૉસ્પિટલના ન્યુરોસર્જરી વિભાગમાં 6 મહિના થી લઈને 75 વર્ષીય વૃદ્ધની બ્રેઈન ટ્યુમરની સર્જરી થઈ ચૂકી છે. જેનું મુખ્ય કારણ ટેકનોલોજી છે. એમઆરઆઈ સહિતની ટેકનોલોજીના કારણે બ્રેઈન ટ્યુમર જલ્દી પકડમાં આવી જાય છે અને તેની સારવાર અને સર્જરી વહેલી તકે થઈ જતા દર્દી વહેલો સાજો પણ થઈ જાય છે.
Read Original Article →