તંત્ર સામે આક્રોશ:સંજયનગરનાં 1841 લાભાર્થીને 9 વર્ષે મકાનો ન મળ્યાં, મહિલાઓનો મોરચો

Gujarat4/7/2026, 12:20:23 AM
વારસિયા રિંગ રોડના સંજયનગરનાં 1841 ઝૂંપડાં તોડી ત્યાં 18 મહિનામાં મકાન આપવાની પાલિકાની બાંહેધરી 9 વર્ષે પણ હવામાં છે. લાભાર્થીઓએ પાલિકામાં મોરચો લઈ જઈ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો અને 46 મહિનાનું ભાડું ચૂકવવા માગ કરી હતી. હાઇકોર્ટનો 36 મહિનામાં મકાનો બનાવી આપવાનો આદેશ પણ પાલિકા તંત્ર ઘોળીને પી ગયું હોવાના આક્ષેપ રહીશોએ કર્યા છે. 2017માં વારસિયા રિંગ રોડના સંજયનગરનાં 1841 મકાન તોડી 18 મહિનામાં મકાન આપવા અને 2 હજાર ભાડું ચૂકવવાનું નક્કી થયું હતું. જોકે દોઢ વર્ષને બદલે 9 વર્ષ થવા છતાં હજી 50% કામ થયું હોવાની ફરિયાદ થઈ છે. લાભાર્થી સીમા રાઠોડે કહ્યું કે, કોર્ટે 36 માસમાં મકાન બનાવી આપવા હુકમ કર્યો હતો. ઓક્ટોબરમાં સમય મર્યાદા પૂર્ણ થઈ છે અને હજી 50% જ કામ થયું છે ભાસ્કર ઇનસાઇડ કોર્ટે લાભાર્થીઓ તરફે ચુકાદો આપ્યો અને જશ ખાટવા વોર્ડ નં.6ના કાઉન્સિલરો દોડી ગયા હતા લાભાર્થીઓએ ફરિયાદ કરતાં કહ્યું હતું કે, કોર્ટે લાભાર્થી તરફે ચુકાદો આપી 36 મહિનામાં કામ પૂર્ણ કરવા હુકમ કર્યો હતો. કેસ લાભાર્થી લડ્યા હતા, જ્યારે જશ ખાટવા વોર્ડ 6ના કાઉન્સિલર હેમિશા ઠક્કર, ડો.શીતલ મિસ્ત્રી સહિતે ફટાકડા ફોડી હાર-તોરા કર્યા હતા. જમીન ક્લીયર કર્યા વિના અધિકારીઓએ ડહાપણ કર્યું અને યોજનામાં વિલંબ થયો સંજયનગરમાં ઝૂંપડપટ્ટી હટાવી પીપીપી ધોરણે પ્રધાનમંત્રી આવાસ બાંધવાનું નક્કી થયું હતું. પાલિકાના બાહોશ અધિકારીઓએ જમીનનો સરવે કર્યા વિના 1841 ઝૂંપડાં તોડી પાડ્યાં હતાં. ત્યારબાદ ડેવલપરને જમીન આપવાનું નક્કી થયું તે વખતે જમીનમાં ભીક્ષુગૃહની જગ્યા સહિત 1 કરતાં વધુ સર્વે નંબર નીકળ્યા. જે જમીનને ક્લીયર કરતાં 5 વર્ષ થયા. એટલું જ નહીં 18 માસમાં તૈયાર થનારાં મકાનોનું બાંધકામ હજી 50% જ પૂર્ણ થયું છે અને લાભાર્થીને હજી 1 વર્ષ રાહ જોવી પડે તેવી શક્યતા છે. અધિકારીઓની બેજવાબદારીથી 1841 પરિવાર 9 વર્ષથી રઝળી રહ્યાં છે.
Read Original Article →