જ્ઞાન કસોટીમાં 130 સ્પર્ધકોએ લીધો ભાગ:રાજપૂત સમાજનો ઇતિહાસ યુવાનો સુધી પહોંચાડવા જ્ઞાન કસોટી યોજાઈ, વયોવૃદ્ધોએ પણ ભાગ લીધો

Gujarat4/7/2026, 12:23:21 AM
જ્ઞાન કસોટીમાં 130 સ્પર્ધકોએ લીધો ભાગ:રાજપૂત સમાજનો ઇતિહાસ યુવાનો સુધી પહોંચાડવા જ્ઞાન કસોટી યોજાઈ, વયોવૃદ્ધોએ પણ ભાગ લીધો
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની સ્થાપના 7 એપ્રિલ, 1985ના રોજ પોરબંદર ખાતે થઈ હતી. સંસ્થાના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. જયેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઇતિહાસ જ્ઞાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ​રાજપૂત સમાજનો ઇતિહાસ નવી પેઢી સુધી પહોંચે તે આ કસોટીનો મુખ્ય હેતુ છે. સામાન્ય રીતે ઇતિહાસ વાંચવામાં લોકો ઓછી રુચિ દાખવતા હોય છે, પરંતુ કસોટીના માધ્યમથી લોકો હોંશે હોંશે ઇતિહાસ વાંચે તેવો પ્રયાસ કરાયો હતો. દેશ માટે બલિદાન આપનાર વીર પુરુષો અને વીરાંગનાઓના ગુણો નવી પેઢી પોતાના જીવનમાં ઉતારે તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે સમગ્ર ગુજરાતમાં આ કસોટી યોજાઈ હતી. ​રાજ્યના 14 જિલ્લાના 20 કેન્દ્રો પર એક જ સમયે આ પરીક્ષા લેવામાં આવી હતી. વડોદરામાં ડૉ. રાજેન્દ્રસિંહ રાઠોડના સહકારથી મનુભાઈ ડેન્ટલ કોલેજ ખાતે પરીક્ષાનું આયોજન કરાયું હતું. આ કસોટીને સફળ બનાવવા પ્રદેશ કન્વીનર દિગ્વિજયસિંહ ઝાલા, રુદ્રદત્તસિંહ વાઘેલા તેમજ વડોદરા રાજપૂત સમાજના અગ્રણી વિક્રમસિંહ મહારાઉલજી બાપુના માર્ગદર્શનમાં ટીમ કાર્યરત રહી હતી.​ આ ઉપરાંત કન્વીનર જીતેન્દ્રસિંહ વાઘેલા, સહ-કન્વીનર પ્રણવસિંહ ચૌહાણ, કાશ્મીરાબા જાડેજા, મમતાબા ઝાલા, મહિલા સંઘના અધ્યક્ષા દશરથબા પરમાર અને વડોદરાના પ્રમુખ વિરેન્દ્રબા મહારાણા સહિતના હોદ્દેદારોના સહયોગથી ઇતિહાસને જીવંત રાખતી આ કસોટી સંપન્ન થઈ હતી. કેવા સવાલો પૂછાયા? ​સૌથી વધુ ક્ષેત્રફળ ધરાવતા રજવાડા કયા છે?, ​રાજપૂત સમાજના ગોત્ર અને કુળદેવીના નામ જણાવો, ​રાજપૂત સમાજના ત્રણ સંગઠનોના હોદ્દેદારો અને તેમના વિશેની માહિતી આપો જેવા સવાલો પૂછાયા હતા. ઉલ્લેખનીય છે કે, કુલ 100 ગુણની આ પરીક્ષામાં 50 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેમાં સૌથી વધુ ક્ષેત્રફળ ધરાવતા રજવાડાઓમાં વડોદરા, કચ્છ અને નવાનગરનો સમાવેશ થાય છે તેવો પ્રશ્ન પણ પૂછાયો હતો. જ્ઞાન કસોટીમાં 13થી 75 વર્ષના 130 સ્પર્ધકોએ ભાગ લીધો રાજપૂત સમાજના ઇતિહાસ પ્રત્યેનો ઉત્સાહ સમાજના લોકોમાં અકબંધ જોવા મળ્યો હતો. સતત ત્રીજા વર્ષે યોજાયેલી આ ઐતિહાસિક કસોટીમાં 130 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં 13 વર્ષના બાળકથી લઈને 75 વર્ષના વૃદ્ધ સુધીના તમામ વયજૂથના લોકોએ પરીક્ષા આપી હતી. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના સ્થાપના દિને વડોદરા સહિત 20 કેન્દ્રો પર પરીક્ષા લેવાઈ
Read Original Article →