વ્યારા નગરપાલિકા ચૂંટણી:5 ઉમેદવારોના ફોર્મ રદ, કોંગ્રેસના 4 અને AAPના 1 ઉમેદવાર અમાન્ય ઠર્યા
વ્યારા નગરપાલિકાની આગામી ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ ચકાસણી દરમિયાન કુલ પાંચ ઉમેદવારોના ફોર્મ અમાન્ય ઠર્યા છે, જેમાં કોંગ્રેસના ચાર અને આમ આદમી પાર્ટી (AAP)ના એક ઉમેદવારનો સમાવેશ થાય છે. આ ઘટનાથી ચૂંટણી પૂર્વે રાજકીય સમીકરણોમાં ફેરફાર જોવા મળ્યો છે. વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી ઝીણવટભરી તપાસમાં ટેકનિકલ ખામીઓ અથવા અન્ય કારણોસર આ ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. અમાન્ય ઠરેલા ઉમેદવારોમાં વોર્ડ નંબર 1 માંથી AAP ના દિનેશભાઈ ભીખુભાઈ ઢોડિયા, વોર્ડ નંબર 3 માંથી કોંગ્રેસના રાજુભાઈ મનુભાઈ ઢોડિયા, વોર્ડ નંબર 6 માંથી કોંગ્રેસના સરલાબેન હિતેષભાઇ ઢોડિયા, અને વોર્ડ નંબર 7 માંથી કોંગ્રેસના ફતેસિંગ લક્ષ્મણભાઇ વસાવા તથા ભરત નટવરલાલ પંચાલનો સમાવેશ થાય છે. ફોર્મ રદ થયા બાદ, વ્યારા નગરપાલિકાના 7 વોર્ડની કુલ 28 બેઠકો માટે હવે માન્ય ઉમેદવારોની સ્થિતિ નીચે મુજબ છે: ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના 28 ઉમેદવારો, કોંગ્રેસના 17 ઉમેદવારો, આમ આદમી પાર્ટી (AAP) ના 9 ઉમેદવારો અને 2 અપક્ષ ઉમેદવારો. કોંગ્રેસ માટે મહત્વના ગણાતા વોર્ડ નંબર 7 માંથી બે ઉમેદવારોના ફોર્મ રદ થતાં પક્ષને મોટો ફટકો પડ્યો છે. આ પરિણામ સ્વરૂપે, ભાજપ તમામ 28 બેઠકો પર પોતાના ઉમેદવારો સાથે મજબૂત સ્થિતિમાં છે, જ્યારે વિપક્ષી પક્ષોએ મર્યાદિત સંખ્યામાં ઉમેદવારો સાથે ચૂંટણી મેદાનમાં ઉતરવું પડશે.
Read Original Article →