વ્યારામાં સરકારી જમીન પરના ગેરકાયદે ઘરો તોડાયા:મહાદેવનગરમાં દબાણ હટાવવા ગયેલા અધિકારીઓ અને પરિવારો વચ્ચે સંઘર્ષ સર્જાયો
તાપી જિલ્લાના વ્યારામાં આવેલા મહાદેવનગરમાં સરકારી જમીન પરના દબાણો હટાવવા માટે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. બ્લોક નંબર 459ની સરકારી જમીન પર બનેલા 14 ગેરકાયદેસર ઘરોનું ડિમોલિશન કરાતા સ્થાનિક રહીશો અને તંત્ર વચ્ચે વિવાદ સર્જાયો હતો. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, આ જમીન સરકારી માલિકીની છે અને તેના પરના બાંધકામો ગેરકાયદેસર હતા. જાહેર જમીનને અતિક્રમણ મુક્ત કરાવવા માટે કાયદેસરની કાર્યવાહી કરીને દબાણો દૂર કરવામાં આવ્યા છે. બીજી તરફ, વર્ષોથી અહીં વસવાટ કરતા 14 પરિવારોનું કહેવું છે કે તેઓ લાંબા સમયથી આ સ્થળે રહે છે.તેઓ મજૂરી કરીને ગુજરાન ચલાવતા ગરીબ લોકો હોવાથી તેમને યોગ્ય પુનર્વસન મળવું જોઈએ તેવી તેમની માંગ છે. વહીવટી તંત્રની આ કાર્યવાહી બાદ હાલમાં સમગ્ર વિસ્તારમાં કાટમાળના ઢગલા જોવા મળી રહ્યા છે.
Read Original Article →