વ્યારા ચૂંટણીમાં 4 કોંગ્રેસી ઉમેદવારનું ફોર્મ રદ, હંગામો:ફોર્મ ચકાસણીમાં કોંગ્રેસ-આપને ઝટકો, ચૂંટણી અધિકારી સામે પક્ષપાતના આક્ષેપ સાથે કલેક્ટરને ફરિયાદ
વ્યારા નગરપાલિકાની આગામી ચૂંટણી માટે ફોર્મ ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આ પ્રક્રિયામાં કુલ પાંચ ઉમેદવારોના ફોર્મ અમાન્ય ઠરતા રાજકીય ગરમાવો વ્યાપ્યો છે. કોંગ્રેસના ચાર અને આમ આદમી પાર્ટીના એક ઉમેદવારના ફોર્મ રદ થયા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ. તુષાર ચૌધરીએ ચૂંટણી અધિકારીની કામગીરી પર સવાલ ઉઠાવી તેમની તાત્કાલિક બદલીની માંગ કરી છે. ફોર્મ ચકાસણી દરમિયાન ટેકનિકલ અથવા અન્ય કારણોસર જે પાંચ ઉમેદવારોના ફોર્મ અમાન્ય કરવામાં આવ્યા છે તેમાં વોર્ડ નંબર 1 માંથી આમ આદમી પાર્ટીના દિનેશ ભીખુભાઈ ઢોડિયા, વોર્ડ નંબર 3 માંથી કોંગ્રેસના રાજુભાઈ મનુભાઈ ઢોડિયા, વોર્ડ નંબર 6 માંથી કોંગ્રેસના સરલાબેન હિતેષભાઇ ઢોડિયા, અને વોર્ડ નંબર 7 માંથી કોંગ્રેસના ફતેસિંગ લક્ષ્મણભાઇ વસાવા તથા ભરત નટવરલાલ પંચાલનો સમાવેશ થાય છે. વ્યારા નગરપાલિકાના 7 વોર્ડની કુલ 28 બેઠકો માટે હવે માન્ય રહેલા ઉમેદવારોની સ્થિતિ નીચે મુજબ છે: ભારતીય જનતા પાર્ટીના 28 ઉમેદવારો (તમામ બેઠકો પર), કોંગ્રેસના 17 ઉમેદવારો, આમ આદમી પાર્ટી (AAP) ના 9 ઉમેદવારો અને 2 અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે. કોંગ્રેસના ચાર ઉમેદવારોના ફોર્મ એકસાથે રદ થતા કોંગ્રેસ છાવણીમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિધાનસભાના વિપક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ આક્ષેપ કર્યો છે કે ચૂંટણી અધિકારી સત્તાધારી પક્ષના દબાણમાં પક્ષપાતી વલણ અપનાવી રહ્યા છે. તેમણે રાજ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખીને ચૂંટણી અધિકારીની તાત્કાલિક બદલી કરવા, રદ થયેલા ફોર્મ બાબતે ન્યાયિક તપાસ કરવા અને રાજ્ય ચૂંટણી આયોગ આ મામલે મધ્યસ્થી કરી નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરે તેવી માંગણી કરી છે. ડૉ. તુષાર ચૌધરીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, "સત્તાના જોરે વિપક્ષના ઉમેદવારોને ચૂંટણી પ્રક્રિયામાંથી બહાર રાખવાનું આ ષડયંત્ર છે. અમે કલેક્ટર અને ચૂંટણી આયોગને લેખિત રજૂઆત કરી છે અને ન્યાયની માંગ કરી છે."
Read Original Article →