ઉમજા ગામમાં રસ્તાનું ખાતમુહૂર્ત બાદ પણ કામ શરૂ નહીં:એક વર્ષ અગાઉ ધારાસભ્યના હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરાયું, રસ્તો ન બનતા સ્થાનિકોમાં રોષ
કુકરમુંડા તાલુકાના ઇટવાઈ ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળ આવતા ઉમજા ગામમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત મંજૂર થયેલા રસ્તાનું ખાતમુહૂર્ત એક વર્ષ પહેલા થયું હતું. જોકે, આટલો સમય વીતી ગયા છતાં રસ્તાનું કામ શરૂ ન થતાં સ્થાનિક ગ્રામજનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 22 મે, 2025 ના રોજ સ્થાનિક ધારાસભ્યના હસ્તે ઉમજા ગામમાં રસ્તાના કામનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ઉમજા ગામથી અક્કઉતારા ચકડી સુધી અને ઉમજા ગામથી પીપડીપાડા સુધીના માર્ગના નવીનીકરણનું કામ હાથ ધરવાનું હતું. ખાતમુહૂર્તની શિલાન્યાસ તકતી લાગ્યા બાદ એક વર્ષથી વધુ સમય પસાર થઈ ગયો છે. તેમ છતાં, સ્થળ પર હજુ સુધી કામની શરૂઆત થઈ નથી. રસ્તાના અભાવે ગ્રામજનોને દૈનિક અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ચોમાસા અને અન્ય ઋતુઓમાં આ માર્ગ પર અવરજવર કઠિન બની જાય છે. ઉમજા ગામના જાગૃત નાગરિકોએ સંબંધિત વિભાગ અને જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક ખુલાસો માંગ્યો છે. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે રસ્તાનું કામ શરૂ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ફરજ પડશે. સરપંચ અક્ષયભાઈ નાયકનો ટેલિફોનીક સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે કોન્ટ્રાક્ટર બહાર હોવાથી કામમાં વિલંબ થયો છે. તેમણે ઉમેર્યું કે કોન્ટ્રાક્ટર સાથે મુલાકાત થઈ છે અને બે દિવસમાં કામ શરૂ કરવામાં આવશે.
Read Original Article →