તાપીના ઉકાઈ રોડ પર બેકાબૂ ટેમ્પોનો અકસ્માત:અનેક વાહનોને અડફેટે લીધા, સદનસીબે જાનહાનિ ટળી
તાપી જિલ્લાના ઉકાઈ રોડ પર આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. કાંદા ભરેલા એક બેકાબૂ આયશર ટેમ્પોએ અનેક વાહનોને અડફેટે લીધા હતા, જેના કારણે ભારે નુકસાન થયું હતું. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મહારાષ્ટ્રના સાક્રીથી નડિયાદ તરફ જઈ રહેલો ટેમ્પો (MH 18 BZ 0012) વાંકડિયા પુલ નજીક, અડવાની ગેસ્ટ હાઉસ પાસે નવી ઉકાઈ તરફ જતાં માર્ગ પર પહોંચ્યો ત્યારે ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બનેલા ટેમ્પોએ સૌપ્રથમ એક અલ્ટિકા કાર અને એક એક્ટિવાને ટક્કર મારી હતી. આ અથડામણ બાદ પણ ટેમ્પો અટક્યો ન હતો અને આગળ જઈને એક સ્ટ્રીટ લાઈટના થાંભલા સાથે ધડાકાભેર અથડાયો હતો. આ અકસ્માતમાં ટેમ્પો, અલ્ટિકા કાર અને એક્ટિવાને ભારે નુકસાન થયું છે. જોકે, પ્રાથમિક માહિતી મુજબ, કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા થઈ નથી, જે એક મોટી રાહતની વાત છે. મોટી દુર્ઘટના ટળતા સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને ટેમ્પો ચાલકની પૂછપરછ શરૂ કરી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →