તાપીમાં 8 તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી:વાલોડ, ડોલવણ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા અને સોનગઢમાં ભાજપ; વ્યારા-ઉકાઈમાં હાઈવોલ્ટેજ ડ્રામા સાથે કોંગ્રેસ

Gujarat5/23/2026, 10:01:17 AM
તાપીમાં 8 તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી:વાલોડ, ડોલવણ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા અને સોનગઢમાં ભાજપ; વ્યારા-ઉકાઈમાં હાઈવોલ્ટેજ ડ્રામા સાથે કોંગ્રેસ
તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ આજે 8 તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. રાજકીય દાવપેચ અને રસાકસી વચ્ચે આ પ્રક્રિયા સંપન્ન થઈ હતી. કુલ 8 તાલુકા પંચાયતોમાંથી 6 પર ભાજપે જીત મેળવી છે, જ્યારે 2 તાલુકા પંચાયતો પર કોંગ્રેસે કબજો જમાવ્યો છે. ભાજપે વાલોડ, ડોલવણ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા અને સોનગઢ તાલુકા પંચાયતોમાં સત્તા મેળવી છે. જ્યારે વ્યારા અને નવનિર્મિત ઉકાઈ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષ વિજેતા બન્યો છે. વ્યારા તાલુકા પંચાયતની ચૂંટણી જિલ્લામાં ચર્ચાનો વિષય બની હતી. અહીં કુલ 20 બેઠકોમાંથી કોંગ્રેસ પાસે 13 અને ભાજપ પાસે 7 બેઠકો હતી. જોકે, સવારે 11 વાગ્યે મીટિંગ શરૂ થાય તે પહેલાં પલસાણા હાઇવે નજીક સુરત ગ્રામીણ પોલીસે કોંગ્રેસના 3 સભ્યો સહિતના કાફલાને અટકાવ્યો હતો, જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું. આ ઘટના બાદ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અને પૂર્વ સાંસદ ડૉ. તુષાર ચૌધરીએ મધ્યસ્થી કરી 3 સભ્યોને વ્યારા તાલુકા પંચાયત હોલ ખાતે સુરક્ષિત રીતે પહોંચાડ્યા હતા. આ હાઇવોલ્ટેજ ડ્રામા પછી યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના વૃક્ષાબેન ગામીત પ્રમુખ અને ધર્મેશભાઈ ગામીત ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે પોલીસ રાજકીય હાથો બનીને તેમના સભ્યોને હેરાન કરી રહી હતી. જોકે, ભાજપના પ્રભારીએ આ આક્ષેપોને ફગાવતા જણાવ્યું હતું કે, "આ કોંગ્રેસની જૂની પદ્ધતિ છે, ભાજપ આવા કાવાદાવામાં માનતું નથી." નવનિર્મિત ઉકાઈ તાલુકા પંચાયતની 16 બેઠકોમાંથી કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી ન હતી. અહીં કોંગ્રેસને 7 અને આમ આદમી પાર્ટી (AAP) ને 4 બેઠકો મળતા બંને પક્ષોએ ગઠબંધન કરીને સત્તા મેળવી છે. ગઠબંધનના કરાર મુજબ, કોંગ્રેસના કીનાબેન ગામીત પ્રમુખ અને AAP ના ભાવનાબેન રામરાજે ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા હતા. સોનગઢ તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો પર બરાબરીનો જંગ હતો. જોકે, ચૂંટણી સમયે કોંગ્રેસનો એક સભ્ય ગેરહાજર રહેતા ભાજપનું પલ્લું ભારે થયું હતું. મતદાન દરમિયાન ભાજપને 9 અને કોંગ્રેસને 8 મત મળ્યા હતા. પરિણામે, ભાજપના દિનેશ ગામીત પ્રમુખ અને નીલાબેન ગામીત ઉપપ્રમુખ તરીકે વિજેતા બન્યા હતા.
Read Original Article →