તાપી કલેક્ટરને વ્યારાના રહિશોનું આવેદનપત્ર:સીટીસર્વે અધિકારીઓ પર ગેરકાયદેસર બાંધકામને પ્રોત્સાહનનો આરોપ

Gujarat5/20/2026, 9:59:36 AM
તાપી કલેક્ટરને વ્યારાના રહિશોનું આવેદનપત્ર:સીટીસર્વે અધિકારીઓ પર ગેરકાયદેસર બાંધકામને પ્રોત્સાહનનો આરોપ
વ્યારાના કુંભારવાડા વિસ્તારના સ્થાનિક રહિશોએ તાપી જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર સુપરત કર્યું છે. આ આવેદનપત્રમાં સીટીસર્વે નંબર-3133 ની જમીન પર થયેલા ગેરકાયદેસર બાંધકામો હટાવવા અને સીટીસર્વે વિભાગના અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. રહિશોના જણાવ્યા અનુસાર, તેમની માલિકીની જમીનના પશ્ચિમ ભાગે આવેલા સીટીસર્વે નં. 3133 માં કેટલાક ઈસમોએ ગેરકાયદેસર રીતે ઘરો અને મસ્જીદનું બાંધકામ કરી લીધું છે. આ વિસ્તારને તેઓ 'વાડીવાલા ટાઉનશીપ સોસાયટી' તરીકે ઓળખાવે છે, જોકે આવી કોઈ સોસાયટી સરકારી ચોપડે મંજૂર નથી કે તેનો કોઈ નકશો પણ ઉપલબ્ધ નથી. રહિશોએ આક્ષેપ કર્યો છે કે, આરિફ મેહબૂબ શાહ નામના વ્યક્તિએ માલિકીના કોઈ પુરાવા ન હોવા છતાં, સંજયભાઈ શાહ અને ભરતેશભાઈ શાહ (રેવન્યુ એડવોકેટ) ના કથિત મેળાપીપણામાં કુંભારવાડાના મૂળ રહીશો ઉપર ખોટી રીતે 'લેન્ડ ગ્રેબિંગ' ની અરજી કરી છે. જેના કારણે સ્થાનિકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. આ આવેદનપત્રમાં સીટીસર્વે સુપ્રિટેન્ડન્ટ બિરાડે સાહેબ, આઝાદ ચૌધરી અને અભિષેક પરમાર જેવા સરકારી કર્મચારીઓ સામે પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. રહિશોના મતે, આ કેસ હાલ કલેક્ટર કચેરી અને નાયબ કલેક્ટર કચેરીમાં પેન્ડિંગ છે. તેમ છતાં, સીટીસર્વેના અધિકારીઓ કોઈ પણ પ્રકારની નોટિસ કે જાણ કર્યા વિના વારંવાર માપણી કરવા પહોંચી જાય છે. રહિશોનો આરોપ છે કે અધિકારીઓ કાયદાનું ઉલ્લંઘન કરીને સામા પક્ષને ફાયદો કરાવવા અને ખોટા પુરાવા ઉભા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમજ મૂળ રહિશો પર દબાણ બનાવી રહ્યા છે. રહિશોએ વધુમાં જણાવ્યું કે, અરજદાર આરિફ શાહ માંસનો વેપાર કરે છે અને તેના માણસો અવારનવાર વિસ્તારની મહિલાઓને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપે છે. કુંભારવાડાના રહિશો હિન્દુ અને સ્વામિનારાયણ ધર્મ પાળતા હોવા છતાં, તેમનો ધર્મ ભ્રષ્ટ કરવાના ઈરાદે તેમના વાડાના ભાગમાં માંસ, હાડકા અને ચામડા નાખીને ગંદકી ફેલાવવામાં આવે છે, જેનાથી સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. સ્થાનિક રહિશોએ કલેક્ટર સમક્ષ માંગ કરી છે કે, તેમના પર કરવામાં આવેલી લેન્ડ ગ્રેબિંગની ખોટી અરજી તાત્કાલિક રદ કરવામાં આવે. સીટીસર્વે નં. 3133 માં થયેલા ગેરકાયદેસર મકાનો અને મસ્જીદનું બાંધકામ તોડી પાડવામાં આવે. કાયદા વિરુદ્ધ જઈને પક્ષપાત કરનારા સીટીસર્વેના અધિકારીઓ સામે કડક કાયદાકીય અને ખાતાકીય પગલાં ભરવામાં આવે. હવે જોવાનું એ રહે છે કે વહીવટી તંત્ર અને ઉચ્ચ અધિકારીઓ આ ગંભીર આક્ષેપો પર શું કાર્યવાહી કરે છે.
Read Original Article →