તાપીમાં વન્યપ્રાણીના અંગોની તસ્કરીનું નેટવર્ક ઝડપાયું:વાઘની ચામડી, નખ સાથે 6 આરોપીઓની ધરપકડ
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાદડવેલ રેન્જ ફોરેસ્ટ વિભાગ અને વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો (WCCB) એ સંયુક્ત ઓપરેશન હાથ ધરી વન્યપ્રાણીઓના અંગોની તસ્કરી કરતા મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. વન વિભાગે બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી ભારતીય વાઘની ચામડી, વાઘના નખ અને દીપડાના નખ સાથે કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, સાદડવેલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ફોર્ટ સોનગઢના સ્ટાફ અને WCCB ના પ્રતિનિધિઓએ બાતમીના આધારે ટોકરવા ગામે આવેલા મહાકાલી માતાના મંદિર પાસે દરોડો પાડ્યો હતો. આ તપાસ દરમિયાન અનુસૂચિ-૧ માં સુરક્ષિત ભારતીય વાઘની એક ચામડી અને એક નખ મળી આવ્યા હતા. આ ગુનાના તાર શોધતા વન વિભાગે બીજી રેડ સોનગઢના મોટી ખેરવાણ ખાતે કરી હતી. જ્યાં તપાસ દરમિયાન દીપડાના 11 નખ મળી આવ્યા હતા. વન વિભાગે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી કુલ 6 આરોપીઓને અટકાયતમાં લીધા છે. ઝડપાયેલા આરોપીઓમાં ઉમેશભાઈ જેઠીયાભાઈ ગામીત (રહે. ટોકરવા, સોનગઢ), કિશનભાઈ જલુભાઈ વસાવે (રહે. અક્કલકુવા, મહારાષ્ટ્ર), કોચરીયાભાઈ ટેડગ્યાભાઈ વસાવે (રહે. ઉમરપાડા, સુરત), અમરસિંગભાઈ રામાભાઈ કોટવાળીયા (રહે. મોટી ખેરવાણ, સોનગઢ), ઉદેસિંગભાઈ ધુળજીભાઈ કોટવાળીયા (રહે. મોટી ખેરવાણ, સોનગઢ) અને ગોવાનભાઈ ભાણીયાભાઈ કોટવાળીયા (રહે. મોટી ખેરવાણ, સોનગઢ) નો સમાવેશ થાય છે. વન વિભાગે વન્યપ્રાણીઓના અંગો ઉપરાંત ગુનામાં વપરાયેલી 4 મોટર સાયકલ (નંબર: GJ 02 AA 1530, GJ 16 AB 7583, GJ 05 GN 3588 અને GJ 02 AA 1530) પણ જપ્ત કરી છે. તમામ આરોપીઓને સોનગઢની ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેમના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ સમગ્ર કામગીરી નાયબ વન સંરક્ષક (વ્યારા) અને મદદનીશ વન સંરક્ષક (વ્યારા-1) ના માર્ગદર્શન હેઠળ સાદડવેલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
Read Original Article →