કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થતા તાપીમાં સ્વચ્છતા સપ્તાહ:વહીવટી તંત્ર દ્વારા જનજાગૃતિ અભિયાન શરૂ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળતાપૂર્વક 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે 'સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ' પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'સ્વચ્છતા સપ્તાહ' કાર્યક્રમ અંતર્ગત સઘન જનજાગૃતિ અભિયાન શરૂ કરાયું છે. 8 જૂન, 2026ના રોજ જિલ્લાના તમામ તાલુકાઓમાં ગ્રામજનોની સક્રિય ઉપસ્થિતિમાં સ્વચ્છતાલક્ષી કાર્યક્રમો યોજાયા હતા. વ્યારા તાલુકાની છીરમા ગ્રામ પંચાયત ખાતે આયોજિત કાર્યક્રમમાં સ્વચ્છ ભારત મિશન (SBM) હેઠળ નિર્મિત નવા 'પ્લાસ્ટિક સ્ટોરેજ યુનિટ'ની મુલાકાત લેવાઈ હતી. અધિકારીઓએ ગ્રામજનોને પ્લાસ્ટિકના નુકસાન અને પર્યાવરણ પર તેની અસર વિશે સમજ આપી હતી. ગ્રામજનોને પ્લાસ્ટિકનો ત્યાગ કરી કાપડની થેલીઓનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરાયા હતા. પ્લાસ્ટિક કચરાના યોગ્ય વ્યવસ્થાપન માટે સ્ટોરેજ યુનિટના વૈજ્ઞાનિક ઉપયોગ અને ગામને સ્વચ્છ રાખવાની પદ્ધતિઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. નિઝર તાલુકાના રૂમકીતળાવ ગામે સ્વચ્છતાના સંદેશને લોકો સુધી પહોંચાડવા માટે સ્વચ્છતા રેલીનું આયોજન કરાયું હતું. ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ રેલીમાં ગ્રામજનો અને પંચાયતના પ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રેલીના અંતે ગામના ચોકમાં તમામ ગ્રામજનોએ એકત્રિત થઈને ગામને સ્વચ્છ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત રાખવાના સામૂહિક શપથ લીધા હતા. ‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના’ સૂત્રને સાર્થક કરતા આ સ્વચ્છતા સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ગામડાઓને સ્વચ્છ રાખવાનો જ નથી, પરંતુ ગ્રામીણ કક્ષાએ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવીને 'સ્વચ્છ અને સશક્ત તાપી'નું નિર્માણ કરવાનો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમોમાં લોકભાગીદારીનું પ્રમાણ ખૂબ જ પ્રોત્સાહક જોવા મળ્યું હતું, જે વડાપ્રધાનના સ્વચ્છ ભારત મિશનના સપનાને સાકાર કરવા ગ્રામજનોની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
Read Original Article →